શું અમદાવાદની રેસ્ટોરેન્ટમાં ભોજનકે નાસ્તાની સાથે જીવાત પીરસાય છે?, અમદાવાદમાં દાસ ખમણની ચટણીમાંથી નીકળી જીવાત

by ND
Moths came out of Das Khaman's chutney in Ahmedabad

શહેરમાં આવેલી અનેક ખાણીપીણીની હોટેલો અને રેસ્ટોરન્ટ તેમજ ફૂડ કોર્ટમાં ખાવાની વસ્તુઓમાંથી જીવજંતુ સહિતની અનેક વસ્તુઓ હવે દર બે દિવસે નીકળતી હોવાની ઘટના સામે આવે છે. જેથી સવાલ એવો પણ ઉભો થાય કે,શું અમદાવાદની રેસ્ટોરેન્ટ-હોટલોમાં ભોજનકે નાસ્તાની સાથે જીવાત પીરસાય છે? શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત દાસ ખમણની દુકાનમાંથી લીધેલા ખમણની ચટણીમાંથી જીવાત નીકળી હતી. ચટણીમાંથી જીવાત નીકળતા ગ્રાહકે વેપારીનો સંપર્ક કર્યો હતો. ત્યારે ચટણી બદલી આપવાની વાત કરી હતી. આ મામલે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગમાં ફરિયાદ કરી છે.

ચટણીમાંથી નીકળેલી જીવાતે બિમાર કર્યા
શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા અલ્કેશ નામના વ્યક્તિ આજે રવિવારે સવારે મણિનગર વિસ્તારમાં આવેલી દાસ ખમણ નામની દુકાનમાંથી ખમણ સહિતની ચીજ વસ્તુઓ લેવા માટે આવ્યા હતા. દુકાનમાંથી ખમણની સાથે ચટણી આપવામાં આવી હતી. આ ખમણ અને ચટણી ઘરે જઈ ખાધી જેના કારણે તેમના પત્ની અને બાળકોને ઉલટી જેવું થયું હતું. ચટણીમાં જોયું તો તેમાં મચ્છર જેવી જીવાત જોવા મળી હતી. તેથી તેઓ તાત્કાલિક દુકાન ઉપર ગયા હતા અને ત્યાં હાજર વ્યક્તિને તેઓએ ચટણીમાંથી નીકળેલી જીવાત બતાવી હતી.

દાસ ખમણ સામે કાર્યવાહી કરવામાં આવશે?
જેથી હાજર વ્યક્તિએ તેને આ ચટણી બદલી આપવા માટે કહ્યું હતું. આ અંગે તાત્કાલિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ પર ઓનલાઇન અને ફરિયાદ નંબર ઉપર ફરિયાદ નોંધાવી હતી. દાસ ખમણમાંથી ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ સામે આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા દુકાનને સીલ પણ કરવામાં આવી છે. હવે કોર્પોરેશન દ્વારા દાસ ખમણ સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?

Related Posts