એસજી હાઇવે પર વધુ એક વાહને એક વ્યક્તિનો જીવ લીધો

by Bansari Bhavsar
Another heavy vehicle claimed one life on SG Highway

કારગીલ ચાર રસ્તા પાસે ટુવ્હીલર પર બે લોકો જઈ રહ્યા હતા તે સમયે મિક્સર મશીન ટ્રકે ટુવ્હીલરને પાછળથી ટક્કર મારી હતી. જેથી ટુવ્હીલર પર સવાર બન્ને વ્યક્તિ રોડ પર પટકાયા હતા અને ટ્રક તેમની ઉપરથી ફળી વળ્યો હતો. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

જ્યારે અન્ય વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ મામલે એસજી-1 ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વાહન કબજે લીધું હતું.

મૂળ રાજસ્થાનના 45 વર્ષીય દિનેશચંદ્રભાઈ રોત ચાણક્યપુરીના ઈન્દિરા વસાહતમાં રહે છે અને પ્રાઈવેટ નોકરી કરે છે. મંગળવારે બપોરે દિનેશચંદ્ર તેમના એક મિત્ર સાથે હેલ્મેટ પહેરીને ટુવ્હીલર પર કારગીલ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક મિક્સર મશીન ટ્રકના ચાલકે ટુવ્હીલરને પાછળથી ટક્કર મારી હતી. જેથી દિનેશચંદ્ર અને તેમના મિત્ર રોડ પર પટકાયા હતા. બીજી બાજુ ટ્રક તેમના પરથી ફરી વળતા દિનેશચંદ્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમના મિત્રને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ જતાં મિક્સર મશીન ચાલક ભાગે તે પહેલાં જ તેને પકડી લીધો હતો.

બીજી બાજુ ઈજાગ્રસ્ત મિત્રને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપી પોલીસને ઘટનાની જાણ કરાઇ હતી. એસજી-1 ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપી અજમત હુસેન (ઉ.વ.24, રહે. મૂળ ઉત્તરપ્રદેશ, હાલ છારોડી)ની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આરોપી છારોડી ખાતે આવેલી આધેશ્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં કામ કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

શહેરના એસજી હાઇવે સહિતના પોશ વિસ્તારોમાં લોકો ટુ વ્હીલર લઇને રીતસરના ડરતા હોય તેવી એક બાદ એક ઘટનાઓ બની રહી છે. શહેરમાં ભારે વાહનો માતેલા સાંઢની માફક ફરી રહ્યા હોવા છતાંય તેઓની સામે કાર્યવાહીના નામે મીંડુ દેખાય છે. એસજી હાઇવે, સોલા, સાયન્સ સિટી રોડ, ભાડજ, બોપલ સહિતના વિસ્તારોમાં મિક્સર મશીન, ડમ્પર સહિતના ભારે વાહનોની બેરોકટોક અવર જવરના કારણે નિર્દોષ લોકો મોતને ભેટે છે અને પોલીસ લાચાર હોય તેવી મૌખિક ફરિયાદો ઉઠવા પામી છે.

Related Posts