પોલીસ કોન્સ્ટેબલ દ્વારા 10 લાખની લાંચ માંગતા ACB ત્રાટકી

by ND
  • અમદાવાદ : રખિયાલ પોલીસ સ્ટેશનના ASI ની ધરપકડ
  • જુગારના કેસમાં જામીન લાયક કેસ નબળો કરવા માંગી લાંચ
  • 10 લાખ રૂપિયાની લાંચ માંગી
  • કોન્સ્ટેબલ ભાગી જતા ACB એ તપાસના શરુ કરી

News Inside Ahmedabad  રખીયાલ પોલીસ સ્ટેશનના આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલે લાંચ માંગી હોવાનો ગુનો નોંધાયો છે. અમદાવાદ એસીબીએ આ અંગે છટકું ગોઠવતા પોલીસ સ્ટેશનમાં એસીબીની ટીમ પંચો સાથે પહોંચી હતી. જોકે એએસઆઇ ઝડપાઇ જવા પામ્યો છે, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ એસીબીની ટીમ હોવાનું જાણતા જ ભાગી છૂટ્યો હતો.

એસીબીની ટીમે હવે ભાગી છૂટેલા પોલીસ કર્મીને ઝડપી લેવા માટે પ્રયાસો શરુ કર્યા છે.

સર્વેલન્સ સ્ક્વોડના આ પોલીસ કર્મીઓની હિંમત એવી હતી કે, તેઓએ જુગારના આરોપીઓને લાંચની રકમ આપવા માટે પોલીસ સ્ટેશનમાં જ બોલાવ્યા હતા. જ્યાં એસીબીએ છટકું ગોઠવ્યુ હતુ.

10 લાખ રુપિયા માંગ્યા હતા

લાંચ માંગવાની ફરિયાદ કરનારા ફરિયાદી અને તેમના મિત્રો જુગાર રમતા ઝડપાયા હતા. જેને લઈ જુગારના કેસમાં જામીન લાયક કેસ બનાવવા અને જામીન આપવા સહિત હેરાન નહીં કરવા માટે એએસઆઈ અકબરશાહ દિવાન અને પોલીસ કોન્સ્ટેબલ રાજુ ભોપાભાઇએ 10 લાખ રુપિયાની માંગણી લાંચ પેટે કરી હતી.

પોલીસ કર્મીઓ દશ લાખ રુપિયાની લાંચની રકમ માંગી હતી. પરંતુ અંતે રકઝક બાદ 1 લાખ 35 હજાર રુપિયા લાંચ આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. આ લાંચની રકમ આપવા જતા એસીબીએ છટકુ ગોઠવ્યુ હતુ. આ માટે પોલીસ કોન્સ્ટેબલ રાજુ ભોપાભાઇ અને એએસઆઈ અકબરશાહ દિવાને રવિવારે રાત્રી દરમિયાન લાંચ લઈને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.

કોન્સ્ટેબલ ભાગી છૂટ્યો

રખીયાલ પોલીસ સ્ટેશનના પ્રથમ મજલા પર આવેલા ડી સ્ટાફ રુમમાં જ જુગાર કેસને લઈ લાંચ આપવા માટે બોલાવેલ હતા. જ્યાં રવિવારે રાત્રે 1.35 લાખ રુપિયા લઈને તેઓ પહોંચ્યા હતા અને જ્યાં તેમને લાંચની રકમ આપી હતી. આ સાથે જ એસીબીએ સ્થળ પર હોવાની ગંધ કોન્સ્ટેબલ રાજુ ભોપાભાઇને આવી જતા એ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. જ્યારે ASI અકબરશાહ દિવાનને એસીબીએ ઝડપી લીધા હતા. એસીબીએ રંગે હાથ ASI ને ઝડપી લઈને તપાસ શરુ કરી હતી.

લાંચ લેતા આરોપીઓને ઝડપ્યા બાદ હવે આ લાંચમાં અન્ય કોનો હિસ્સો હતો અને કોને કોને લાંચ આપવાની હતી એ તમામ પાસાઓ પર તપાસ શરુ કરવામાં આવી શકે છે. તો બીજી તરફ પોલીસ સ્ટેશનમાં જ કર્મચારીઓની લાંચ લેવાની ઘટનાને લઈ પોલીસ બેડામાં ખળભળાટ સર્જાયો છે.

Related Posts