ચાંદખેડાના યુવકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો બોડીને કેનાલમાં ફેંકનારા બે હત્યારાની ધરપકડ

by ND

News Inside  Ahmedabad,

મદાવાદનાં સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ એક ઘટના બની હતી. જેમાં એક યુવકનું અપહરણ કરીને તેને કેનાલમાં ફેંકી દઇ હત્યા કરાઇ હતી. જે કેસમાં પોલીસે તપાસ કરતા મૃતકને આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ જ પ્રકારની વધુ એક ઘટના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. જેમાં 19 વર્ષીય યુવકનું અપહરણ કરી અડાલજ કેનાલમાં ફેંકી હત્યા કરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

ચાંદખેડામાં આવેલી આબુગીરી સોસાયટીમાંથી મિલન સુથાર નામનાં 19 વર્ષીય યુવકનું ગત 29મી ફેબ્રુઆરીએ અપહરણ થયું હતું. જે મામલે મિલન સુથારના પિતા કૌશિકભાઈ સુથારે ફરિયાદ નોંધાવી હતી. 29મી ફેબ્રુઆરીએ સાંજે મિલન ગુમ થયો ત્યારબાદ તેના મિત્રોએ મિત જયરામભાઈ રબારીએ પોતાની પાસે બોલાવી પોતાની સાથે લઈ જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે મિતને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યાં મિત રબારીના પરિવારજનો પણ ઘર બંધ કરી ફરાર થઇ ગયા હતા. તેવામાં બનાવના ત્રણ દિવસ બાદ કડી નજીકથી તેની લાશ મળી હતી. ત્યાં બાતમી આધારે મિત રબારીની પોલીસે ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મિતની બહેન સાથે વાતચીત કરવા બાબતે તેણે અગાઉ પણ મિલન સુથાર સાથે બોલાચાલી કરી હતી અને પોતાના અન્ય મિત્રો સામે મિલન નહીં સુધરે તો તેને મારી નાખવાની વાત કરી હતી. ગત તા. 29મીએ મિત રબારીએ મિલન સુથારને ફોન કરી બોલાવીને સિદ્ધરાજ દેસાઈ સાથે મળીને તેને અડાલજ કેનાલ પર લઈ ગયો હતો. જ્યાં બોલાચાલી કરી બહેન સાથે વાત કરવા અંગે ઝઘડો કર્યો હતો. જોકે, મિલન સુથારે પુરાવા માગી સામે તકરાર કરતા મિત રબારીએ પોતાની પાસે રહેલી લાકડીથી મિલન સુથારને માથામાં ફટકો મારતા તે બેભાન થઈ ગયો હતો. જે બાદ મિત રબારીએ તેને કેનાલમાં ધક્કો મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હત્યા કર્યા બાદ મિત રબારી અને સિદ્ધરાજ દેસાઈ બન્ને પોતાના અલગ અલગ પરિવારજનોના ઘરે આશરો લેવા ગયા હતા, પરંતુ કોઈએ તેઓને આશરો ના આપતા તે નાસતા ફરતા હતા. ઘટનાની જાણ થયા બાદ મિતના પરિવારજનો પણ ઘર બંધ કરીને ફરાર થઇ ગયા હતા.

Related Posts