રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાતે રાષ્ટ્રીય રક્ષા મહાવિદ્યાલયના અધિકારીઓ

by ND

ગુજરાતની સ્ટડી ટુર પર આવેલા રાષ્ટ્રીય રક્ષા મહાવિદ્યાલય – નેશનલ ડિફેન્સ કોલેજના અધિકારીઓએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વિશેષતઃ કૃષિ અને સહકાર ક્ષેત્રના અભ્યાસ અર્થે આવેલા ત્રણેય સેનાના ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે રાજ્યપાલ આચાર્ય દેવ્રતએ ભારતની કૃષિ પદ્ધતિથી લઈને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે વિસ્તૃત વાત કરી હતી.

ભારતીય સેનાના મેજર જનરલ એસ.નાગરના નેતૃત્વમાં આવેલા નેશનલ ડિફેન્સ કોલેજના અધિકારીઓને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, કૃષિમાં આત્મનિર્ભર થવા ભારતમાં હરિત ક્રાંતિ થઈ, તે વખતે કૃષિ વૈજ્ઞાનિકોએ એક હેક્ટરમાં 13 કિલો રાસાયણિક ખાતર નાખવાની ભલામણ કરી હતી. આજે એક એકરમાં 13 ગુણી રાસાયણિક ખાતર નાખવું પડે છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધુંધ ઉપયોગથી ધરતી વેરાન થઈ ગઈ છે. ભારતે રાસાયણિક ખેતી છોડીને પુન પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવી પડશે તો જ ધરતીની ફળદ્રુપતા પાછી આવશે અને ખેત ઉત્પાદનો પૌષ્ટિક-સ્વાસ્થ્યપ્રદ બનશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની વૈજ્ઞાનિક માહિતી આપતું સ્વાલિખિત પુસ્તક સૌ અધિકારીઓને ભેટ આપ્યું હતું અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની વિગતવાર જાણકારી આપી હતી.

રાષ્ટ્રીય રક્ષા મહાવિદ્યાલય રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં સલાહ આપે છે અને સંશોધનો કરે છે. ભારતીય સેનાની ત્રણેય પાંખના ઉચ્ચ અધિકારીઓ, સિવિલ સર્વિસીસના ઉચ્ચ અધિકારીઓ તથા મિત્ર દેશોની સેનાના અધિકારીઓ આ મહાવિદ્યાલયમાં તાલીમ મેળવે છે. ગુજરાતની સ્ટડી ટુર પર આવેલા નેશનલ ડિફેન્સ કોલેજના તાલીમાર્થીઓમાં જાપાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશના અધિકારીઓ પણ હતા.

Related Posts