પાંચ વર્ષમાં RTE હેઠળ પ્રવેશ મેળવતા ગરીબ બાળકોની સંખ્યા 44 ટકા ઘટી

by ND
  • વર્ષ-2019-20માં 94,163 પ્રવેશ થયા,વર્ષ-2023 -24 માં ઘટીને 52,365
  • ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તો બેઠકોની સંખ્યામાં જ 39હજારનો ઘટાડો થયો
  • આ વખતે કુલ 43,896 બેઠકો સામે રાજ્યમાથી 2.35 લાખ જેટલા ફોર્મ ભરાયા

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત ખાનગી સ્કૂલોમાં 25 ટકા મુજબ ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. શિક્ષણાધિકારના આ કાયદા હેઠળ પ્રવેશ લેતા ગરીબ બાળકોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

છેલ્લા પાંચ વર્ષની વાત કરવામાં આવે તો RTE હેઠળ પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યામાં 44 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ-2019 -20માં સમગ્ર રાજ્યમાં કુલ94,163 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો, જે વર્ષ-2023-24 મા ઘટીને માત્ર 52,365 થઈ ગયાં છે. મહત્વની વાત એ છે કે, આ વખતે તો પ્રવેશ મેળવનાર બાળકો જ નહી રિઝર્વ બેઠકોની સંખ્યામાં જ 39હજારનો ઘટાડો થયો છે. આ વખતે રાજ્યમાથી 2.35 લાખ જેટલા ફોર્મ ભરાયા છે જેની સામે પ્રવેશ માટે બેઠકોની સંખ્યા માત્ર 43,896 છે, જે એક સમયે 1 લાખ કરતાં પણ વધુ હતી.

ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠક પર ગરીબ અને મધ્યમવર્ગના બાળકોની પ્રવેશ આપતો વર્ષ-2009 માં કેન્દ્ર સરકાર દ્વારા કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદાનો ગુજરાતમાં વર્ષ-2013-14 થી અમલ કરવામાં આવ્યો. પ્રથમવર્ષે એટલે કે, વર્ષ-2013-1 4 માં RTE હેઠળ 432 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. એ પછી ક્રમશઃ પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યામાં નિરંતર વધારો થયો હતો. આ વધારો વર્ષ-2019 -20 સુધી યથાવત્ જોવા મળ્યોય. એ પછી પ્રવેશ મેળવનાર ગરીબ બાળકોની સંખ્યામાં સતત ધટાડો થયો છે. મહત્વનુ છે કે, રાજ્યમાં ખાનગી પ્રાથમિક શાળાઓની સંખ્યામાં સતત વધારો થયો છે ત્યારે 25 ટકા મુજબ આ શાળાઓમાં ગરીબ બાળકોના પ્રવેશની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ-2019 -20 માં RTE હેઠળ કુલ94,163 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. એ પછી વર્ષ-2020-21 માં75,227,વર્ષ-2021-22 માં 62,290,વર્ષ-2022-23 માં 64,395 અને વર્ષ-2023-24 માં 52,365 બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. આમ છેલ્લા પાંચ વર્ષમાં RTE પ્રવેશ મેળવતા બાળકોની સંખ્યામાં 41,798 નો ઘટાડો થયો છે, જેની ટકાવારી 44 ટકા કરતાં વધુ થાય છે. આમ સરકારના કેટલાક નિયમોના કારણે ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને ભારે અન્યાય કરાતો હોવાના આક્ષેપો થયાં છે.

આ આક્ષેપોને હકિકત ઠેરવતી બાબત એ છે કે, આ વખતે RTE હેઠળ પ્રવેશપાત્ર બેઠકની સંખ્યામાં જ મોટો ઘટાડો જોવા મળ્યો છે. બેઠકોની સંખ્યામાં ઘટાડો એટલા માટે જોવા મળ્યો છે કે, ધોરણ.1ના વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે 25 ટકા બેઠક નક્કી કરાઈ છે. ગત વર્ષે ધો.1માં પ્રવેશની વયમર્યાદા 6 વર્ષની હોવાથી પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી ઘટી ગયા હતા. પ્રવેશ સમિતી દ્વારા ધો.1ની સંખ્યા ધ્યાને લેતા બેઠકોની સંખ્યા ઘટી છે. ગત વર્ષે 82,853 જેટલી બેઠક પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરી હતી આ વખતે ઘટીને 43,896 બેઠક થઈ છે.

7 વર્ષની આવકમર્યાદાના સ્લેબમાં વધારો ન કરાતા અન્યાય

RTEમાં પ્રવેશ માટેની જે આવકમર્યાદા નક્કી કરવામાં આવેલી છે એમાં ગ્રામ્ય વિસ્તારમાં પરિવારની આવક રૂ.1.20 લાખ અને શહેરી વિસ્તારમાં રૂ.1.50 લાખ આવક નક્કી કરવામાં આવી છે. આ આવકમર્યાદા સામાજિક અને અન્યાય અધિકારિતા વિભાગના ઠરાવ અન્વયે વર્ષ-2017 માં જાહેર કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. એ પછી એટલે કે, છેલ્લા સાત વર્ષમાં આરટીઈ પ્રવેશની આવકમર્યાદાના સ્લેબમાં કોઈ વધારો કરાયો નથી. જેને લઈ નિષ્ણાંતો કહે છે કે, દર વર્ષે લોકોની આવકમાં વધારો થાય છે પરંતુ તેની સામે મોંઘવારી પણ તેજ ગતીએ વધી રહી છે. આ સંજોગોમાં શહેરી વિસ્તારમાં 15થી20 હજાર માસિક આવકથી પરિવારનું માત્ર ગુજરાન જ ચાલી શકે બાળકોની મોંઘી ફી ભરવી મૂશ્કેલ છે. જેથી RTEમાં પ્રવેશની આવકમર્યાદાનો સ્લેબ ન વધારી ગરીબ અને મધ્યમવર્ગને અન્યાય કરાતો હોવાના આક્ષેપ થયાં છે.

Related Posts