ગાંધીનગર વાવોલનાં ગોકુળપુરા નજીકથી કારમાંથી 1.64 લાખની કિંમતનો દારૂ ગાંધીનગર સેક્ટર – 7 પોલીસ મથકના ઇન્સ્પેકટર પી બી ચૌહાણનાં સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડની ટીમે ઝડપાયો,
ગાંધીનગરના વાલોલનાં ગોકુળપુરા નજીક સેક્ટર – 7 પોલીસે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવીને અકસ્માતગ્રસ્ત એસેન્ટ કારનો ફિલ્મી ઢબે પીછો કરીને 1 લાખ 63 હજાર 500 ની કિંમતની 327 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી છે. જોકે, પોલીસે પીછો કરતાં જ આગળ જઈને ચાલક રસ્તામાં વાહન મૂકીને નાસી ગયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી 3 લાખ 63 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર સેક્ટર – 7 પોલીસ મથકના ઇન્સ્પેકટર પી બી ચૌહાણનાં સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડની ટીમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે વાવોલ તરફ પહોંચતા બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક એસેન્ટ કાર ગોકુળપુરા રોડ પરથી પસાર થવાની છે. જે અન્વયે સર્વેલન્સ ટીમ દ્વારા ગોકુળપુરા નજીક વોચ ગોઠવી દેવામાં આવી હતી.
આ દરમિયાન બાતમી મુજબની કાર રોડ પરથી નીકળતા ચાલકને કાર રોકવાનો ઈશારો કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થિતિ પારખી ગયેલો ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી મુકી હતી. ત્યારે પોલીસ ટીમે કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આથી થોડેક આગળ જઈને ચાલક કાર રેઢિયાળ મૂકીને અંધારામાં નાસી જવામાં સફળ રહ્યો હતો.
બાદમાં પોલીસે કારની તપાસ કરતા પાછળ ની સાઈડમાં કારને અકસ્માત થયો હોવાનું તેમજ અંદર દારૂનો જથ્થો પડ્યો હોવા ઉપરાંત કેટલીક બોટલો ફૂટી ગયેલી જોવા મળી હતી. આથી પોલીસ કારને સેકટર – 13 ની ચોકીએ લઈ જઈ વિદેશી દારૂની ગણતરી કરતા 327 નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને કાર મળીને કુલ રૂ. 3 લાખ 63 હજાર 500 નો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.