News Inside/20 May 2023
..
સુરત। શુક્રવારે રાત્રે ગુજરાતના સુરત જિલ્લામાં પિતાએ તેની 19 વર્ષની પુત્રી પર છરી વડે હુમલો કર્યો હતો. જેના કારણે પુત્રીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. તે આરોપીની પત્ની અને પુત્રી ઘરના ધાબા પર સૂવા માંગતા હતા, જ્યારે વ્યક્તિએ રૂમમાં સૂવાનો આગ્રહ કર્યો હતો. જેના કારણે આરોપી અને તેની પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.
કડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલે જણાવ્યું હતું કે, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ગામમાં સત્યનારાયણ નગર સોસાયટીમાં રહેતો આરોપી, રામાનુજ સાહૂ તેની પત્ની રેખાદેવી સાથે કડોદરા જીઆઇડીસીમાં ડાઇંગ અને પ્રિન્ટીંગ મિલમાં કામ કરે છે. આ દંપતી બિહારના સિવાનથી ગુજરાત આવ્યું હતું. તેમને એક પુત્રી ચંદાકુમારી જેની ઉંમર 19 વર્ષ અને બે સગીર પુત્રો સહિત ત્રણ બાળકો છે.
પોલીસે જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે આ દંપતી નોકરી પરથી ઘરે પરત ફર્યા અને રાત્રિભોજન કર્યું. બાદમાં રેખાદેવી તેના બાળકો સાથે પથારી લઈને ઘરના ધાબા પર ગયા. તેથી રામાનુજે વાંધો ઉઠાવ્યો હતો અને તેમને ઘરની અંદર સૂવા કહ્યું, પરંતુ પત્ની રેખાદેવીએ ઇન્કાર કર્યો હતો.
તે બાદ બંને પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. તેથી અતિશય આક્રોશમાં આવી રામાનુજએ રસોડામાંથી છરી કાઢીને રેખાદેવી પર હુમલો કર્યો હતો, જેથી રેખાદેવીના જમણા હાથે ઈજા થઈ હતી, આ ઘટના સમયે જ્યારે પુત્રી ચંદાકુમારીએ તેના પિતાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેનાથી સાહૂ વધુ ગુસ્સે થયો હતો અને તેણે તેની પુત્રીને છરી વડે ઘણીવાર ઘા ઝીંક્યા હતા. જેના પરિણામે તેણીનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. ઘટના બાદ સાહૂ ઘરેથી નાસી ગયો હતો.
ઘાટનાં પગલે રેખાદેવીએ પડોશીઓને બોલાવ્યા અને બાદમાં કડોદરા પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. રેખાદેવીએ તેના પતિ રામાનુજ સાહૂ સામે ફરિયાદ નોંધાવી અને આઈપીસી કલમ 302 (હત્યા), 324 અને 326(સ્વૈચ્છિક રીતે ખતરનાક હથિયારોથી ગંભીર ઈજા પહોંચાડવી), 506 (2) (જો જાનથી મારી નાખવાની ધમકી હોય તો) હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આ ઉપરાંત 504 (શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવાના ઇરાદા સાથે ઇરાદાપૂર્વક અપમાન) હેઠળ ગુનો નોંઘી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેને પગલે મોડી રાત્રે આરોપી રામાનુજ સાહૂની કડોદરા વિસ્તારમાં આવેલ તેના મિત્રના રૂમમાંથી ધરપકડ કરવામાં આવી હતી.