અમદાવાદના છેડે આવેલા ભુવાલડી ગામમાં બે મહિલાઓની હત્યા કરાવી લાશ મળી હતી. ગરીબ પરિવારની મહિલાઓની લાશ પ્રથમ દૃષ્ટિએ કોઈ અજાણી વ્યક્તિએ હત્યા કરી હોવાનું લાગી રહ્યું હતું. આ મામલે અમદાવાદ જિલ્લા પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચને આ દરમિયાન એક કડી મળી અને જાણવા મળ્યું કે એક વ્યક્તિ જે મહિલાઓ પર નજર બગાડે છે, તે આ ગુનામાં સસ્પેક્ટ હોઈ શકે છે. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે હત્યા કબૂલી લીધી હતું. તે દિવસે તેણે મહિલાને શારીરિક સબંધ બાંધવા કહ્યું અને ના પાડતા તેને મારી નાખી હતી. ત્યારબાદ તેની સાથે એક મહિલા હતી તેને પણ મારી નાખી છે. સેક્સ વિકૃતિ ધરાવતા આરોપીની હાલ ડબલ મર્ડર કેસમાં ધરપકડ કરી છે.
દેરાણી-જેઠાણી લાકડાં વીણવા ગયાં હતાં
અમદાવાદના કણભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભુવાલડી ગામમાં ત્રીજી ફેબ્રુઆરીએ સાંજે ગીતાબેન (ઉં.વ. 48) અને મંગીબેન (ઉં.વ. 62) બંને રોજની જેમ લાકડાં વીણવા નીકળ્યાં હતાં. લાકડાંથી રોજ તેઓ ઘરે પરત આવ્યાં પછી રસોઈ બનાવતાં હતાં, એ દિવસે પણ તેઓ પોતાના નિત્યક્રમ પ્રમાણે ગામની સીમમાં લાકડાં વીણી રહ્યાં હતાં. રોજના સમય પ્રમાણે બંને પરત ન આવતા તેમનાં પરિવારજનોએ તેમને શોધવાનું શરૂ કર્યું હતું. પણ તેઓની કોઈ કડી મળી નહીં. ત્યારબાદ તેઓ ક્યાંય નહીં મળતાં ગામના લોકો તેમને શોધવા માટે નીકળ્યા ત્યારે બંનેની હત્યા કરાયેલી લાશ ખેતરમાં મળી આવી હતી.
બંનેની લાશ મળી હતી
બંને મહિલાઓની લાશ મળી આવી એટલે પ્રથમ દૃષ્ટિએ કોઈ વ્યક્તિએ લૂંટના ઇરાદે તેમની હત્યા કરી હોય તેવું માનીને અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી હતી. પરંતુ લૂંટની કોઈ ઘટના ન બની હોવાનું પોલીસ નિષ્કર્ષ પર આવ્યું તો હત્યા કેમ કરવામાં આવી તે જાણવું ખૂબ જરૂરી હતું.
વાસનામાં અંઘ વ્યક્તિ પર પોલીસને શંકા ગઈ હતી
ગામમાં એક ખેતરમાં રહેતા તે વ્યક્તિ પર પોલીસને શંકા ગઈ એટલે પોલીસે તેની અટકાયત કરી અને પૂછપરછ કરી પણ તેણે કશું કબૂલ્યું નહીં. ત્યારબાદ થોડા દિવસ સુધી પોલીસે તે વ્યક્તિને પૂછપરછ જ કરવાનું ટાળ્યું. પોલીસે આ વ્યક્તિની સતત તપાસ કરતા જાણવા મળ્યું કે તે એકદમ ચારિત્ર્યહીન વ્યક્તિ છે અને સતત વાસના માટે કોઈ પણ સ્ત્રીને હેરાન કરે તેવો વ્યક્તિ છે. બીજી તરફ આ મહિલાઓની હત્યાનું રહસ્ય ઘૂંટાઇ રહ્યું હતું એટલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કડી મળી કે જે દિવસે આ બે મહિલાઓની લાશ મળી ત્યારે આ વ્યક્તિ ખેતરમાં હતો.
આરોપીની અટકાયત કરી પૂછપરછ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રોહિત ચુનારા (ઉં. વ. 42)ની અટકાયત કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવી હતી. તપાસ શરૂ કરી તો પહેલાંની જેમ જ તે કશું જાણતો નથી તેમ જણાવ્યું. પણ આ વખતે પોલીસને એક બાતમી મળી હતી કે એ દિવસે તે ખેતરમાં હાજર હતો. તે પ્રમાણે તેની પૂછપરછ કરતા તેણે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કબૂલી લીધું કે તે દિવસે સાંજે બે મહિલાઓ ખેતરમાં લાકડાં કાપવા માટે આવી હતી ત્યારે તેણે એક મહિલાને પોતાની સાથે સેક્સ કરવા માટે કહ્યું હતું પણ તેણે તેનો વિરોધ કર્યો હતો એટલે તેણે પહેલા મારી નાખી હતી. આ દરમિયાન તેની સાથે જ બીજી એક મહિલા હતી તેને પણ તેણે ધારિયું મારીને મારી નાખી હતી.
વાસનામાં અંઘ બનેલાએ બે મહિલાની હત્યા કરી
પોતાની વાસના ઉપર કાબૂ ન મેળવી શકનારા યુવકે બે મહિલાઓની હત્યા કરી નાખી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ એવું કહી રહી છે કે સેક્સ માટે અતિ વિકૃત આ વ્યક્તિને કડકમાં કડક સજા થાય તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. કારણ કે તેની વાસનાને કારણે બે નિર્દોષ મહિલાઓનાં મોત થયાં છે.