News Inside/17 May 2023
Gujarat
ઉનાળાની શરૂઆત થાય એટલે પશુઓ પાણી માટે ટળવળવા લાગે છે. તેમાં પણ કચ્છની ગાય ભેંસોને પીવાના પાણીની ખૂબ તંગી ઊભી થતી હોય છે. અનેક સેવાભાવી લોકો અને સંસ્થાઓ આ મૂંગા પશુઓની મદદ કરવા આગળ આવતા હોય છે. પરંતુ કચ્છના ખેડૂતે પોતાનું સમગ્ર ખેતર ગાયોને ચરવા માટે ખુલ્લું મૂક્યુ હતું. ઉનાળો શરૂ થતાં જ દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છના છેવાડાના લખપત તાલુકામાં ઘાસની અછત ઊભી થઈ હતી. ત્યારે તે તાલુકાના કપુરાશી ગામમાં ગાયોને ઘાસ પૂરૂ પાડવા ગામના ખેડૂતે જુવારના ઊભા પાક વાળા લીલાછમ ખેતરને ખુલ્લું મૂક્યું હતું.
કચ્છના છેવાડાના સરહદી વિસ્તાર લખપતમાં દર વર્ષે ઉનાળાની શરૂઆત સાથે ખૂબ કઠિન પરિસ્થિતિ શરૂ થઇ જાય છે. ગામના સીમાડામાં સુકા ઘાસનું તણખલું પણ વધતું નથી. તેવામાં ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર આ વિસ્તાર ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ વિસ્તારના લાલ પાઘડી રબારી સમાજના માલધારીઓ દર વર્ષે ઉનાળા સમયે પોતાની હજારો ગાયો સાથે હિજરત કરી જાય છે. ત્યારે બાકીના માલધારીઓ ઘાસચારો ખરીદી પોતાની ગાયોને ખોરાક પૂરો પાડે છે.
આ વર્ષે હવામાન ખાતાએ તાપમાનની તીવ્રતાની આગાહી કરી હતી. તેથી ફરી ઉનાળામાં ઘાસની અછત ઊભી થતાં ઘણાં માલધારીઓએ લખપતથી હિજરત કરવાની ફરજ પડી હતી. ત્યારે તાલુકાના કપુરાશી ગામના ખેડૂતે ગૌ સેવાનો એક ઉત્તમ દાખલો આપ્યો હતો. ગામની ગાયો માટે નિવૃત્ત આર્મી જવાન, રમેશ રાજગોરે પોતાનો 4 એકરનો ખેતર કપુરાશી અને કૈયારી ગામની 400 ગાયોને ચરવા માટે ખુલ્લો મુકવાનો નિર્ણય કર્યો હતો. ખેતરમાં વાવેલી જુવારનો ઘણો સારો પાક આવ્યો હતો. તેમ છતાં ખેડૂતે ગાયોને ખોરાક પૂરો પાડવા બન્ને ગામની ગાયોના ધણને પોતાના ખેતરમાં ખુલ્લો છોડયો હતો.