સેક્સટોર્શનનો ભોગ બનેલા ચાંદલોડિયાના યુવકે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો
ચાંદલોડિયા,અમદાવાદ.
સેક્સટોર્શનનો ભોગ બનેલા ચાંદલોડિયાના યુવકે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. તેનો મૃતદેહ ઘરમાં હતો, પરિવાર કલ્પાંત કરતો હતો ત્યારે પણ પૈસા માટે મેવ ગેંગના સતત ફોન આવી રહ્યા હતા. પરિવારને આપઘાતનું કારણ મળતું નહોતું ત્યારે તેનો ફોન પોલીસના હાથમાં આવ્યો અને સોલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જિજ્ઞેશ અગ્રાવત અને અમિત સાધુએ તેની તપાસ શરૂ કરી તો આ મૃતક યુવક પાસેથી પૈસા પડાવવા મેવ ગેંગ દ્વારા જે રીતનું પ્રેશર ઊભું કર્યું હતું તે વાતો રેકોર્ડિંગ મળ્યું હતું. આ વિગતો પોલીસને મળતા જ ગેંગના બે સાગરીતો ઝડપી પડ્યા. પોલીસ તપાસ ચાલુ છે હજુય ચારેક અન્ય સાગરીતો આ કાંડમાં સંડોવાયેલા હોવાનું અને તેમણે ગુજરાતના જ અન્ય લોકોને પણ શિકાર બનાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
વીડિયો વાયરલ ન કરવાના પૈસા પડાવવામાં આવ્યા
ચાંદલોડિયામાં રહેતો આ યુવક છૂટક મજૂરીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના ફેસબુક પર એક યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી અને થોડા જ સમયમાં યુવતીએ વીડિયો ચેટ કરવાનું શરુ કરી દીધું. આ યુવકે પણ વીડિયો કોલ કર્યો અને તેનું રેકોર્ડિંગ કરી લેવાયું. ત્યારબાદ તરત ખેલ શરુ થઇ ગયો. સામે છેડેથી વીડિયો વાયરલ ન કરવાના પૈસા પડાવવામાં આવ્યા. ત્યાર બાદે જે યુવતી સાથે વીડિયો કોલ કર્યા હતા તેણે તમારા કારણે આપઘાત કરી લીધો છે તેમ કહી કોઇ કાર્યવાહીથી બચવા માટે પૈસા પડાવાયા. કુલ 8.60 લાખ પડાવાયા બાદ પણ ધમકીઓ ચાલુ રહેતા આ યુવકે આપઘાત કરવાનો રસ્તો અપનાવ્યો હતો.
પરિવાર યુવકે શા માટે આપઘાત કર્યો તે સમજી શકતો નહોતો
આ યુવકનો મૃતદેહ ઘરમાં પડ્યો હતો છતાં ફોન તો ચાલુ જ હતા. પરિવાર યુવકે શા માટે આપઘાત કર્યો તે સમજી શકતો નહોતો. ત્યારે જ અકસ્માતે મોતની તપાસ સોલા પોલીસે નોંધી અને વધુ તાપસ હાથ ધરી. પોલીસને પણ આપઘાતનું કારણ સમજાતું નહોતું. ત્યારે ઇન્સ્પેક્ટરે તેનો મોબાઇલ ફોન ચેક કર્યો. જેમાં વાતચીતની કેટલીક રેકોર્ડેડ ક્લીપ હતી. આ રેકોર્ડિંગ સાંભળતાં જ આપઘાતનું રહસ્ય ખૂલ્યું. સામે છેડેથી યૂ ટ્યૂબર રાહુલ શર્મા અને સી.બી.આઇ. ઇન્સ્પેક્ટર એસ.એન. શ્રીવાસ્તવ પૈસા પડાવવા દબાણ કરતા હતા અને આ યુવક સતત કરગરતો હતો. ધીરે ધીરે પૈસા એકઠા કરવા માટે સમય માંગતો હતો અને આ ક્લીપ પોલીસને મેવ ગેંગ સુધી લઇ ગઇ હતી.
પોલીસે ફોન કબજે લઇ વધુ ઊંડાણ પૂર્વક તપાસ કરતાં સમગ્ર બાબતની હકીકત સામે આવી, હજુ ચારેક સાગરિતોની શોધખોળ ચાલુ છે.