News Inside/19 May 2023
..
નોઈડા। ગત 18 મે અને ગુરુવારે બપોરે ગ્રેટર નોઈડાની એક ખાનગી યુનિવર્સિટીમાં અનુજ નામના વિદ્યાર્થીએ તેની ક્લાસમેટ સ્નેહાને ગોળી મારી હત્યા કરી હતી. બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. શહેરની ટોચની યુનિવર્સિટીના કેમ્પસમાં બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે બંને બીએ સોશિયોલોજીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા. જેમાંથી સ્નેહા કાનપુરની રહેવાસી હતી, જયારે અનુજ અમરોહાનો વતની હતો. બંને કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં જ રહેતા હતા.
આ ઘટનાને કારણે તે યુનિવર્સિટી કેમ્પસની અંદર અને બહારના લોકો ચોંકી ઉઠ્યા હતા. જો કે, હાલની તપાસમાં અનુજના લેપટોપમાંથી 23 મિનિટનો વીડિયો મળી આવ્યો છે, જે તેણે ગુનો કરતા પહેલા રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં તે સ્નેહા સાથેના તેના તૂટેલા સંબંધો અને તેના અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ વિશે વાત કરતો જોવા મળ્યો હતો.
આ મામલે તપાસને પગલે પોલીસને ગૂગલ ડ્રાઇવ પરના અનુજના મેઇલમાંથી 23 મિનિટનું વીડિયો સ્ટેટમેન્ટ મળ્યું છે. જો કે, આ વીડિયો કેટલા સમય પહેલા બનાવવામાં આવ્યો હતો એ સ્પષ્ટ થયું નથી. પરંતુ, તે વિડિયોમાં અનુજ, સ્નેહાને તેના જીવનનું પ્રકાશ કહી રહ્યો છે. બાદમાં તે તેને અંધકારનું કારણ પણ કહેતો જોવા મળે છે. અનુજે વીડિયોમાં કહ્યું છે કે, બ્રેકઅપ બાદ તૂટી તે ઘણો ગયો છે. તથા સ્નેહાએ તેને કહ્યું કે તે ખૂબ જ ડિપ્રેશનમાં છે જેના કારણે તે સંબંધોમાં અંતર રાખવા માંગતી હતી. પરંતુ તેની સાથે બ્રેકઅપ થયા બાદ સ્નેહા એ બીજા કોઈની સાથે મિત્રતા કેળવવાનું શરૂ કરી દીધું હતું.
આ વિડિયોના અંતમાં અનુજ એમ પણ જણાવે છે કે, તેને ત્રીજા સ્ટેજનું બ્રેઈન કેન્સર છે અને તેની પાસે હવે જીવવા માટે વધુ સમય રહ્યો નથી. વીડિયોમાં અનુજે કહ્યું છે કે સ્નેહા તેના જીવનમાં આવી અને તેને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે અને સ્નેહાએ તેની સજા ભોગવવી પડશે. સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે, જો મગજના કેન્સરની સર્જરી નહીં થાય તો તેની પાસે જીવવા માટે વધુમાં વધુ 2 વર્ષનો જ સમય છે. આ વિડિયોમાં અનુજે પોતાના આ કૃત્ય બદલ માફી માંગી હતી. તથા પોતાના માતા-પિતા માટે તે એક સારો પુત્ર ન બની શકવા બદલ પણ માફી માંગી હતી .
આ ખાનગી યુનિવર્સિટી કેમ્પસમાં ગુરુવારે, અનુજ પહેલા ડાઇનિંગ હોલના ગેટ પર સ્નેહાને કંઈક ભેટ આપવા માંગતો હતો અને જ્યારે સ્નેહાએ ઇન્કાર કર્યો ત્યારે આરોપીએ તરત જ તેની પિસ્તોલ કાઢીને સ્નેહાને બે ગોળી મારી દીધી હતી. સ્નેહાની હત્યા કર્યા બાદ અનુજે તેના રૂમમાં જઈને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. CCTV ફૂટેજમાં બંને વચ્ચે ઝપાજપી અને મારામારી થઈ હતી. CCTVના દ્રશ્યો દ્વારા એવું નજરે ચઢ્યું હતું કે પિસ્તોલ જોઈને સ્નેહા તેને છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે અથવા તો તે અનુજના ખભા પર લટકતી બેગ છીનવી લેવા માંગતી હતી. ત્યારે સ્નેહા અચાનક નીચે પડી જાય છે અને અનુજના હાથમાં પિસ્તોલ છે અને તે સ્નેહા પર ગોળી ચલાવે છે.