News Inside/ Bansari Bhavsar : 15 May 2023
ગુજરાત રાજ્યના ઈતિહાસમાં ક્યારેય ન પકડાયું હોય તેવો 1800 કરોડનો ક્રિકેટ સટ્ટાકાંડ અમદાવાદ PCB દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.આ પછી ડીજીપી વિકાસ સહાયે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરી હતી. પરંતુ તેના દ્વારા ‘વ્યવસ્થિત’ તપાસ કરવામાં આવી રહી હોય તેવું ન લાગતાં તાત્કાલિક SITનું વિસર્જન કરીને સમગ્ર મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી દેવામાં આવી હતી. તપાસ હાથમાં આવ્યાના ગણતરીના દિવસોમાં જ આ કેસમાં પહેલી વિકેટ પાડી હોય તેવી રીતે સટ્ટા નેટવર્ક સાથે સંકળાયેલા નિલેશ રામી નામના બુકીની ઋષિકેશથી ધરપકડ કરાઈ હતી.ધરપકડ બાદ નિલેશ રામીના છ દિવસના રિમાન્ડ મંજૂર થતાં તેની સઘન પૂછપરછ હાલ ચાલી રહી છે. આ ઉપરાંત SMC દ્વારા નિલેશ રામીના ઘરની તલાશી લેવામાં આવતાં ત્યાંથી 22.20 લાખની રોકડ મળી આવતાં આ અંગે આવકવેરા વિભાગ અને ઈડીને જાણ કરવામાં આવી છે.આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ડીજીપી વિકાસ સહાય, સ્ટેટ મોનિટરિંગ સેલના એડીજીપી નીરજા ગોટરુ, એસપી નિર્લિપ્ત રાયના સુપરવિઝન હેઠળ તેમજ ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ માધુપુરા સટ્ટાકાંડની તપાસ ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નિલેશ પ્રવીણભાઈ રામી નામના બુકીની ઉત્તરાખંડના ઋષિકેશથી ધરપકડ કરવામાં આવી હતી. નિલેશ રામી આ કાંડમાં ફરાર 17 પૈકીનો એક આરોપી છે. નિલેશની ધરપકડ પછી તેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તા.22 મે બપોરે ત્રણ વાગ્યા સુધી તેના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા.રિમાન્ડ દરમિયાન નિલેશની પૂછપરછ તેમજ તેના અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા મકાનમાં સર્ચ કરતાં તેના ઘરેથી ઓનલાઈન ક્રિકેટ સય્ટા બેટિંગના હાર-જીતના હિસાબ લખેલા વ્યવહારો તેમજ ઉપરોક્ત ક્રિકેટ સટ્ટા બેટિંગના ધંધાના ભાગીદારોની વિગતો લખેલી છ ચોપડી અને ડાયરી મળી આવી હતી. આ પછી નિલેશની સઘન પૂછપરછ કરવામાં આવતાં તેણે ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગની પ્રવૃત્તિમાં ચાર ભાગીદારો હોવાની કબૂલાત આપી હતી. તેના ભાગીદારોમાં રણવીરસિંહ ઉર્ફે લલ્લો વિજયબહાદુરસિંહ રાજપૂત (રહે.અમદાવાદ), ચેતન સુનિલભાઈ સોનાર (રહે.અમદાવાદ), પ્રવીણ ઉર્ફે ટીનો ગાંડાલાલ પ્રજાપતિ(રહે.અમદાવાદ)નો સમાવેશ થાય છે.આ તમામની શોધખોળ શરૂ કરાતાં પ્રવિણ ઉર્ફે ટીનો તેના ઘેરથી મળી આવ્યો હતો. આ ઉપરાંત અન્ય આરોપીઓ રણવીરસિંહ ઉર્ફે લલ્લાના ઘરે સર્ચ કરતાં તે તેમજ ચેતન પણ મળી આવ્યો હતો. આ પછી રણવીરસિંહ ઉર્ફે લલ્લાના ઘરની તલાશી લેવામાં આવતાં ત્યાંથી રોકડા રૂા.22.20 લાખની રોકડ તેમજ રૂપિયા ગણવાનું ઈલેક્ટ્રિક મશીન, મોબાઈલ ફોન વગેરે મળી રૂા.23,20,500નો મુદ્દામાલ બળી આવતાં તે કબજે કરી ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેયને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેમના છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમદાવાદના માધવપુરામાંથી પકડાયેલા 1800 કરોડના સટ્ટાકાંડની બારીકાઈથી તપાસ શરૂ કરી ધડાધડ બુકીઓ અને તેના સાગરીતોને પકડી પાડવાનું કામ હાથ ધરાયુ છે. ત્યારે આ તપાસનો રેલો ટૂંક સમયમાં રાજકોટ સુધી પહોંચવાના ભણકારા પણ વાગી રહ્યા છે કેમ કે હિટ લિસ્ટમાં અહીંના પણ ઘણા બધા બુકીઓ સામેલ હોવાની ચર્ચાએ જોર પકડી લીધું છે.