અમદાવાદ બન્યું સટ્ટા સીટી: વસ્ત્રાપુર તેમજ પાલડીના 3 સ્થળોએથી 9 સટોડિયા ઝડપાયા
પહેલા બુકીઓ ઓફિસો અને ખાનગી જગ્યાઓએથી સટ્ટાનું નેટવર્ક નિયંત્રિત કરતા અને હવે તો બુકીઓ એપાર્ટમેન્ટ કે બંગલા ભાડે રાખીને ઓનલાઈન સટ્ટો રમાડતા થયા છે ત્યાં જ ફરી એક નવી યુક્તિ અજમાવી ને હવે બુકીઓએ પણ જાહેરમાં પાન પાર્લર પર બેસીને સટ્ટો રમવાનું શરૂ કર્યું છે.
શહેર પોલીસે અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડી 9 બુકીઓને સટ્ટો બુક કરતા પકડ્યા છે. આ બોકીઓની વધુ તાપસ કરતા તપાસમાં મોટા માથાઓની સંડોવણી પણ બહાર આવી રહી છે. હાલ આ ત્રણેય કેસ તપાસ હેઠળ છે જેમાં દુબઈ સુધીના કનેક્શન છે. વસ્ત્રાપુર અદ્વૈત કોમ્પલેક્ષ પાસે 3 યુવકો જાહેરમાં જુગાર રમતા હતા
શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વસ્ત્રાપુર અદ્વૈત કોમ્પ્લેક્સ પાસે ત્રણ યુવકો જાહેરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમી રહ્યા છે. પોલીસે ત્યાં દરોડો પાડી પારસ દિનેશભાઈ માળી (હરિઓમ પાર્ક, થલતેજ), ચેતન દિનેશભાઈ માળી (હરિઓમ પાર્ક, થલતેજ) અને રાજન હરેશભાઈ ઠક્કર (કાવેરી સંગમ, શીલજ)ને વસ્ત્રાપુરમાંથી ઝડપી લીધા હતા. રિયલ એસ્ટેટમાં દલાલ તરીકે કામ કરતા આ ત્રણેય યુવકો અલગ-અલગ મોબાઈલ અને ઓનલાઇન એપ્લિકેશનની મદદથી જુગાર રમતા હતા. તેઓ કઈ મોબાઈલ કે ઓનલાઇન એપ્લિકેશનના માધ્યમથી સટ્ટો લગાવી રહ્યા હતા? તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પાલડીમાં બે યુવકો સટ્ટાકીંગ ચિરાગ પરીખના આઈડી(એપ્લિકેશન) પર સટ્ટો રમતા હતા.
- દોઢ લાખમાં યુઝરઆઈડી-પાસવર્ડ
પાલડી વિકાસ ગૃહ નજીક બે યુવકો જાહેરમાં ક્રિકેટ(IPL)પર સટ્ટો રમી રહ્યા હોવાની બાતમી મળતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આઈપીએલ પર સટ્ટો રમાડતા તત્વોને ઝડપી લેવા સક્રિય થઈ હતી. પોલીસે દરોડો પાડી જીગર ઉર્ફે ભગત ઇન્દ્રવદન શાહ (સિદ્ધિશિલા સોસાયટી, ઘોડાસર) અને ગૌરાંગ કાંતિલાલ ભાવસાર (અજેન્દ્ર પાર્ક, મણિનગર) આ બંનેને ઝડપી પાડ્યા હતા અને તેઓ અલગ-અલગ એપ્લિકેશનની મદદથી મોબાઈલ પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા હતા. આ અંગે વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે ચિરાગ પરીખ ઉર્ફે જેકેના એલેક્સ પાર્કરના આઈડી પર સટ્ટો રમાડતો હતો. ચિરાગ પરીખ સેટેલાઇટ દેવપ્રિયા બંગ્લોઝમાં રહે છે. તેના માણસો અલ્પેશ ઊંઝા, જીગર ભાભર, કિશન ઠક્કર, જીગર ગોર અને હાર્દિક ઉર્ફે લીંબુ જુગાર રમતા હોવાનું જાણવા મળેલ છે. પોલીસે જીગર અને ગોરાંગ સહિત વધુ પાંચ લોકોની ધરપકડ પણ કરી હતી. તપાસ દરમિયાન મોટા બુકીઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સાત વર્ષ પહેલા વડોદરાથી ઝડપાયેલા 4 હજાર કરોડના સટ્ટા કેસમાં મુખ્ય સૂત્રધાર ચિરાગ પરીખ જ હતો. બુકીએ તેના મિત્ર હિરેન ઠક્કર પાસેથી દોઢ લાખમાં યુઝરઆઈડી-પાસવર્ડ મેળવ્યા હતા.
- વસ્ત્રાપુર, સેટેલાઇટ, આનંદનગર, બોડકદેવમાં બધે જ બુકીઓનું નેટવર્ક સક્રિય
વસ્ત્રાપુર, સેટેલાઇટ, આનંદનગર, બોડકદેવમાં બધે જ બુકીઓનું નેટવર્ક સક્રિય છે, તેવામાં વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે વસ્ત્રાપુરમાં અતિથી રેસ્ટોરન્ટ પાસે અશોક પાન પાર્લર પાસે જાહેર સ્થળે કેટલાક લોકો સટ્ટો(જુગાર) રમી રહ્યા છે. ઓનલાઈન સટ્ટો રમી રહેલ હર્ષ સંજય ખત્રી (રહે. ધરતી સંકેત સીમંધર સીટી, ગોતા) પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે ઓનલાઈન સટ્ટો રમવા દોઢ લાખમાં તેના મિત્ર હિરેન ઠક્કર પાસેથી યુઝરઆઈડી અને પાસવર્ડ મેળવ્યા હતા અને તે પોતે પણ સટ્ટો રમાડતો હતો. હાલ હિરેન ઠક્કરને પણ પોલીસે ઝડપી લીધો અને વધુ તાપસ હાથ ધરી છે.