અમદાવાદ: BMW હિટ એન્ડ રન કેસનો આરોપી આખરે પોલીસ સંકજોમાં આવી ગયો છે. BMW હિટ એન્ડ રન કેસનો ફરાર કાર ચાલક સત્યમ શર્મા આખરે પકડાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી સત્યમ શર્માને રાજસ્થાનથી ઝડપ્યો હોવાની માહિતી મળી રહી છે. પોલીસ આરોપીને લઈ રાજસ્થાનથી અમદાવાદ આવવા રવાના થઈ છે.
BMW હિટ એન્ડ રનની ઘટનાના 5 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર હતી. આ ઘટના બાદ પોલીસ પર અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ આખરે ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે અને આરોપી સત્યમ શર્માને ઝડપ્યો છે. તમને જણાવી દઈએ કે, આરોપી સત્યમ શર્માનું છેલ્લું લોકેશન અને સીસીટીવી ફૂટેજ હોવા છતાંય પોલીસ તેને હજી સુધી પકડી શકી નહોતી. આમ આ કેસમાં પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા હતા. શુક્રવારે તપાસ અધિકારીએ જણાવ્યા અનુસાર હાલ અલગ-અલગ ટીમો બનાવીને પોલીસ દ્વારા તેની સતત શોધખોળ કરવામાં આવી રહી છે.
શું છે સમગ્ર ઘટના?
અમદાવાદમાં મંગળવારે BMW હિટ એન્ડ રનની ઘટના બની હતી. ઝાયડસ હૉસ્પિટલથી સિમ્સ હૉસ્પિટલ જવાના રસ્તા પર એક BMW કાર ચાલકે રસ્તામાં જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી. જેમાં દંપતી ગંભીર રીતે ઘવાયા હતા. દંપતીને સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને BMW કારચાલક ફરાર થઈ ગયો હતો. BMW કારમાંથી દારુની બોટલ પણ મળી આવી હતી. BMW કારમાંથી મળેલી પાસબુકમાંથી હિટ એન્ડ રન કરનાર કાર ચાલકનું નામ સત્યમ શર્મા જાણવા મળ્યુ હતું. હાલ આરોપી ફરાર હોવાથી તેની તપાસ ચાલી રહી છે
સત્યમ શર્માનો ગુનાહિત ઈતિહાસ
સત્યમ શર્મા સામે સોલા પોલીસ સ્ટેશનમાં કુલ 3 ગુના દાખલ થયા છે. જેમાં ડિસેમ્બર 2022માં જૈમિન પટેલ નામના યુવકે સત્યમ સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. ફેબ્રુઆરી 2023માં દારૂ પીધેલી હાલતમાં ફોર્ચ્યુનર કાર ચલાવતા અને સાથે જ ચપ્પુ મળી આવ્યું હોવાથી જાહેરનામા ભંગ મુજબ 135નો કેસ કરવામાં આવ્યો હતો. જેમાં તેની ધરપકડ કરીને કાર કબજે કરવામાં આવી હતી, અને ત્રીજો ગુનો હિટ એન્ડ રન કેસમાં BMW કારમાં જે પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવ્યો છે તે બાબતો કેસ જેમાં કાર અવાવરૂં જગ્યાએ મૂકીને સત્યમ શર્મા ભાગી ગયો છે
કુલ 3 પૈકી અગાઉના બે ગુનામાં સત્યમ શર્માની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે હિટ એન્ડ રન કેસમાં તેની ધરપકડ કરવાની બાકી છે. જેથી પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ કરવામાં આવી રહી છે. જેથી આરોપી વહેલી તકે ઝડપાઈ તેવી શક્યતા છે. સત્યમના છેલ્લા લોકેશન અંગે પૂછવામાં આવતા પોલીસે જણાવ્યું કે, તે તપાસનો વિષય છે.