અમદાવાદમાં કોલેજમાં પણ હવે કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યાં છે. અમદાવાદમાં મીકેનિકલ એન્જીનિયરીંગમાં અભ્યાસ કરતાં યુવકને કેટલાક લોકોએ ધમકી આપીને તેની પર છરીથી હૂમલો કર્યો હતો. ત્યાર બાદ યુવકને સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. સારવાર દરમિયાન આ યુવકનું મોત નિપજ્યું હતું. પોલીસે હૂમલો કરનારા આરોપીઓની તપાસ શરૂ કરી દીધી છે.
છરી વડે એક શખ્સે હુમલો કરી દીધો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે બારેજા ખાતે રહેતા યુવકના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સીજી રોડ પર એક ઓફિસમાં સેલ્સમેનની નોકરી કરે છે. તેઓને સંતાનમાં એક 20 વર્ષનો દીકરો અને એક દીકરી છે. તેમનો દીકરો સોલા રોડ પરની એક કોલેજમાં મીકેનિકલ એન્જીનિયરીંગમાં અભ્યાસ કરે છે. તેમનો દીકરો સવારે બારેજાથી નીકળી કોલેજ આવ્યો હતો. ત્યારે તેની પર છરી વડે એક શખ્સે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સોલા સિવિલ લઈ જવાયો હતો. આ યુવકના પિતાને તેની સાથે રહેલા એક મિત્રએ જાણ કરતાં જ તેઓ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં.
પોલીસે આરોપીને રાઉન્ડઅપ કર્યો
તેમણે ડોકટર સાથે વાત કરતા યુવકના આંતરડાને ડેમેજ થતા ખૂબ લોહી વહી જતા ક્રિટિકલ હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેનું મૃત્યું નીપજ્યું છે. પોલીસને એવી માહિતી મળી હતી કે, એક યુવતી સાથે મૃતક યુવકને મિત્રતા હોવાથી વસ્ત્રાલના સાગર પટેલ નામના વ્યક્તિએ બબાલ કરી હતી અને વાત ન કરવા ધમકી આપી હતી.આ બાબતની અદાવત રાખી સાગરે છરી વડે હુમલો કરી હત્યાની કોશિશ કરતા સોલા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.બીજી તરફ પોલીસે હૂમલાખોર આરોપીને રાઉન્ડઅપ કરી લીધો હોવાની માહિતી સુત્રો પાસેથી મળી છે.