-
IMEI નંબર બદલવાનું કૌભાંડ
-
રૂ.1400માં મોબાઈલનો IMEI નંબર બદલી આપવામાં આવતો હતો.
-
યુવક નહેરુનગર જનપથ કોમ્પલેક્સમાં રીપેરિંગ શોપ ચલાવતો હતો
-
IMEI બદલાય તો ગુનામાં વપરાયેલો ફોન પોલીસ ટ્રેસ ન કરી શકે
માત્ર રૂપિયા 1400માં મોબાઈલ ફોનના આઈએમઈઆઈ નંબર બદલવાનું કૌભાંડ પકડાયું છે. નહેરુનગર જનપથ કોમ્પ્લેક્ષમાં મોબાઈલ રીપેરિંગની દુકાન ધરાવતો ધોરણ – 10 પાસ યુવાન કોમ્પ્યુટરમાં યુએમટી સોફટવેર(ટુલ) ની મદદથી ચોરી કરેલા કે ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોન પોલીસ ટ્રેસ ન કરે તે માટે આઈએમઈઆઈ નંબર બદલી દેતાે હતાે.
મન્નત કોમ્યુનિકેશન નામની મોબાઈલ ફોન રિપેરિંગની દુકાન ધરાવતો અબ્દુલ ખાલીદ મોહંમદ વસીમ શેખ (37) નજીવા પૈસામાં મોબાઈલ ફોનનો આઈએમઈઆઈ નંબર બદલી આપતો હોવાની બાતમી સાઇબર ક્રાઈમના પીએસઆઈ બી.પી.દેસાઈને મળતા વોચ ગોઠવાઈ હતી. પોલીસે 10 ફેબ્રુઆરીએ ખાનગી માણસને ફોનનો આઈએમઈઆઈ નંબર બદલવા માટે ખાલીદની દુકાને મોકલ્યો હતો. તેણે રૂ.1400માં આઈએમઈઆઈ નંબર બદલી આપવાની વાત કરી હતી. જેથી અબ્દુલ ખાલીદને ફોન આપવામાં આવતા 13 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે ફોન લઈ જવાનું જણાવ્યું હતુ. ગ્રાહક ફોન લેવા જતા અબ્દુલ ખાલીદે આઈએમઈઆઈ નંબર બદલી કાઢ્યો હતો. ફોન આપતાની સાથે જ પોલીસની ટીમે અબ્દુલ ખાલીદને ઝડપી લીધો હતો. આ અંગે ખાલીદ વિરુદ્ધ સાઈબર ક્રાઈમમાં ગુનો નોંધીને ધરપકડ કરાઈ છે.
કેટલા ફોનના IMEIનંબર બદલાયા તેની તપાસ
અબ્દુલ ખાલીદે અત્યાર સુધી કેટલા મોબાઈલ ફોનના આઈએમઈઆઈ નંબર બદલ્યા તે દિશામાં સાઈબર ક્રાઈમે તપાસ શરૂ કરી છે, જેના માટે તેનું કોમ્પ્યુટર તેમજ યુટીએમ ટૂલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની તજવીજ કરાઈ છે. બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અબ્દુલ ખાલીદે ધોરણ -10 સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તે રીલિફ રોડ પર આવેલી મોબાઈલ દુકાનમાં રિપેરિંગનું કામ શીખવા જતો હતો. 15 વર્ષથી તેણે નહેરુનગર જનપથ કોમ્લેક્ષમાં ભાડાની દુકાનમાં મોબાઈલ રીપેરિંગનું કામ શરૂ કર્યું હતું.