કેવી રીતે ચાલે છે ગેરકાયદે અમેરિકા ઘુસાડવાનું કૌભાંડ?
અમદાવાદ: ગત ડિસમ્બર માસમાં ગેરકાયદે અમેરિકા જવામાં મેક્સિકોમાં દિવાલ કુદતા એક યુવકનું મોત થયું હતું. આ ઘટનાની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ ઘટનામાં અમદાવાદથી અમેરિકા ગેરકાયદે મોકલવાની ઘટનામાં બે કબૂતરબાજોને ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ દબોચી લીધા છે અને લોકોને ગેરકાયદે અમેરિકા મોકલવાનો અને તેમનું શોષણ કરવાની ઘટનાનો પર્દાફાશ થયો છે.
શું છે સમગ્ર ઘટના?
આ ઘટનાની વિગત એવી છે કે, ગત 24 ડિસેમ્બરમાં છત્રાલના પરપ્રાંતિય યુવકનું અમેરિકામાં ઘુણખોરી કરતા મેક્સિકો બોર્ડર પર મોત થયાનું મીડિયામાં આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. આ મામલાની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપવામાં આવી હતી. આ ઘટનાની તપાસમાં પોલીસે સાહિલ વ્યાસ અને સૌરભ પટેલ નામના આરોપીને ઝડપી લીધા છે અને કલોલ તાલુકા પોલીસને સોપ્યા છે.
આ અંગે સ્ટેટ મોનિરીંગ સેલના નાયબ અધિક્ષક કે. ટી. કમરિયાએ જણાવ્યું કે, ગત ડિસેમ્બરમાં છત્રાલના બ્રિજકુમાર યાદવ અને તેના પરિવારને ગેરકાયદે અમેરિકા માટે મોકલાયા હતા. આ પરિવારમાં બ્રીજકુમાર ઉપરાંત તેમના પત્ની પૂજા યાદવ, પુત્ર તન્મય યાદવ સાથે ટ્રેન મારફતે અમદાવાદથી મુંબઈ ત્યાર બાદ મુંબઈથી ટર્કી ઈસ્તાંબુલ અને ત્યાંથી મેક્સીકો દેશ મોકલી ત્યાંથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસાડવાનું કાવતરું ઘડાયું હતું. જેમાં 1 અમદાવાદ શહેરનો અને 6 ગાંધીનગરના આરોપી સંડોવાયેલા હતા.
તર્કી એમ્બેસીમાં વિઝા માટે ખોટા ડોક્યુમેન્ટ આપ્યા હતા
આ ઘટનામાં મેક્સીકોની દિવાલ કુદતા બ્રિજકુમાર યાદવનું મોત થતાં સ્ટેટ મોનિટરીંગ સેલને ગેરકાયદે વિદેશ મોકલવા મામલે તપાસ સોંપાઈ હતી. આ કાવતરામાં આ યાદવ પરિવારને ગેરકાયદે અમેરિકા મોકલી છેતરપિંડી કરી શોષણ કરવાના હેતુથી ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા. આ મામલે બે આરોપી સાહિલ વ્યાસ અને સૌરભ પટેલ એમ બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. આ આરોપીઓએ ગેરકાયદે અમેરિકા મોકલવા તર્કી એમ્બેસીમાં વિઝા માટે ખોટા ડોક્યુમેન્ટ આપ્યા હતા. આ આરોપીઓ સામે અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધી તેમને કલોલ તાલુકા પોલીસના હવાલે કર્યા છે.
પરિવાર સાથે મુંબઈ સુધી એક આરોપી પણ ટ્રેનમાં ગયો હતો
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ પરિવાર સાથે મુંબઈ સુધી એક આરોપી પણ ટ્રેનમાં ગયો હતો. જે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત પકડાયેલા આરોપીઓ આ પ્રકારે કેટલા લોકોને ગેરકાયદે રીતે વિદેશ મોકલી ચુક્યા છે, તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનામાં અન્ય પાંચ આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. જે મામલે પોલીસ વધુ તપાસ શરુ કરી છે.