News Inside/27 May 2023
..
બાબા બાગેશ્વર હાલમાં ગુજરાત પ્રવાશે આવ્યા છે. ત્યારે તેમના ભક્તો તેમની એક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં બાબા સુરતમાં તેમનો દિવ્ય દરબાર યોજી રહ્યા છે. તેમના દરબારમાં ગુજરાતમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે. અનેક ભક્તો તેમને મળવા માટે તલપાપડ છે. ત્યારે આ વચ્ચે સમય કાઢીને બાબા બાગેશ્વર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કરવા જશે.
ઈસ્કોન ગ્રૂપના ચેરમેન પ્રવીણ કોટકે જણાવ્યું હતું કે, બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શને જશે. આવતીકાલે 28 મેના રોજ બાબા અંબા માતાના દરબારમાં જઈને આશીર્વાદ લેશે. બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદના વધુ એક સ્થળે પધરામણી કરવાના છે. તેઓ આવતીકાલે 28 મી મેના રોજ ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટકના ઘરે પધરામણી કરશે. તેના બાદ પ્રવીણ કોટક સાથે બાબા બાગેશ્વર અંબાજી માતાના દર્શન કરવા પહોંચશે. બાબા બાગેશ્વર અને પ્રવીણ કોટક હેલિકોપ્ટરથી માં અંબાના દર્શન કરવા જશે. પ્રવીણ કોટકે બાબાને આ માટે ભાવભીનું આમંત્રણ આપ્યુ હતું, જેને બાબાએ સ્વીકાર્યુ હતું.
શું રહેશે બાબાની આવતી કાલની દિનચર્યા?
આવતીકાલે 28 મેના રોજ બાબા બાગેશ્વર સુરતથી સવારના 8 વાગે અમદાવાદ આવી પહોંચશે. જેના બાદ સવારે 10.30 એ અમદાવાદથી દાંતા જવા રવાના થશે. સવારે 11:30 કલાકે બાબા દાંતા પહોંચશે. બાબા બપોરે 12:15 કલાકે અંબાજી માતાના દર્શન કરશે. તેના બાદ બપોરે 1 કલાકે ઇસ્કોન અંબે વેલીમાં વિશ્રામ કરશે. આ બાદ 3 કલાકે અંબાજીથી અમદાવાદ જવા રવાના થશે. બપોરે 4 વાગે બાબાનું આગમન અમદાવાદમાં થશે અને તેના બાદ વિશ્રામ કરશે. સાંજે 7 વાગે ઝુંડાલ ખાતે આવેલા રાઘવ ફાર્મમાં હાજરી આપશે.
ઉલ્લેખનીય છે કે, બાબા બાગેશ્વરના અમદાવાદના દિવ્ય દરબારમાં પ્રવેશ માટે રાખવામાં આવેલા પાસનું વિતરણ શરૂ થઇ ચૂક્યું છે. આજે 27 મેની સવારથી જ પાસનું વિતરણ શરૂ થયુ છે. જોકે, બાબાના દરબારમાં મર્યાદિત સંખ્યામાં ભક્તો હાજર રહે તે રીતે આયોજકો દ્વારા પાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સવારથી જ ભક્તોની લાંબી લાઈનો વચ્ચે પાસનું વિતરણ શરૂ કરાયુ છે, જેમાં એક વ્યક્તિને એક જ પાસ આપવામાં આવે છે. તારીખ 29 મેના રોજ બાબા બાગેશ્વરનો અમદાવાદના ચાણક્યપુરી ખાતે શક્તિ મેદાનમાં દિવ્ય દરબાર યોજાનાર છે. દિવ્ય દરબારમાં હાજર રહેવા માટે પાસ મેળવવો જરૂરી છે. તેથી આજે લોકો લાઈનમાં ઊભા રહીને પાસ મેળવી રહ્યાં છે.
બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો બે દિવસીય સુરતમાં દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે. આજે સુરતના વીઆઈપી રોડ ખાતે આવેલ ખાટૂં શ્યામ મંદિરના દર્શન કરવા પહોંચશે.બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખાટૂં શ્યામ મંદિરમાં દર્શન કરશે. દર્શનને લઈને આયોજકો દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ખાટૂં શ્યામ મંદિર અને સાલાસર બાલાજી ધામના દર્શન કર્યા બાદ મંદિરના ટ્રસ્ટી અને ભક્તો સાથે મુલાકાત કરશે.હિન્દુ રાષ્ટ્ર નિર્માણને લઈને ચર્ચાઓ પણ થઈ શકે છે.