News Inside/ Bureau: 6th September 2022
તાજેતરમાં ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે કોઈ ૫ણ મતદાર મત આ૫વાથી વંચિત ન રહી જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાં આવેલા મતદાન મથક જખૌ સોલ્ટમાં સમાવિષ્ટ જખૌ બંદરના તમામ માછીમારોના મતદાર યાદીમાં નામ દાખલ કરી ચૂંટણીકાર્ડ બનાવવા, નામ કમી કરાવવા, સુધારા કરાવવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ નવા સુધારા મુજબ ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવાનું રહે છે. જે મુજબ જખૌ બંદર ખાતે રહેતા માછીમારોને ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા બાબતે હાઉસ ટુ હાઉસ માર્ગદર્શન આ૫વામાં આવેલ હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કચ્છ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, તથા ૦૧-અબડાસા વિધાનસભા મત વિસ્તારના પ્રાંત અધિકારીશ્રી, તથા મામલતદારશ્રી સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ જખૌ બંદર ખાતે નાયબ મામલતદાર-મતદારયાદી, રેવન્યુ તલાટી તેમજ બુથ લેવલ ઓફીસર દ્વારા સંયુક્ત રીતે સર્વેની કામગીરી કરવામાં આવી હતી. જખૌ બંદર ખાતે રહેતા માછીમારો મતદારયાદીમાં નામ નોંધાવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ જિલ્લા તથા તાલુકા વહીવટી તંત્ર દ્વારા છેવાડાના બંદર વિસ્તારમાં રહેતા માછીમારોની નોંધણી કરવાની પ્રશંનીય કામગીરી કરવામાં આવી છે