ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ એમપી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટીના સર્વપ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ સ્થપાવા જઈ રહ્યું છે. ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાના મજબૂત શૈક્ષણિક સબંધોની ઉજવણી માટે અમદાવાદ ખાતે આજે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતને એજ્યુકેશન હબ બનાવવાનું મિશન
આ પ્રસંગે ડીકન યુનિવર્સિટીને ગુજરાતમાં આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આજે દેશનું રોલ મોડેલ બન્યું છે અને તેમના જ માર્ગદર્શનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતને એજ્યુકેશન હબ બનાવવાનું મિશન પણ ગુજરાત સરકારે કાર્યાન્વિત કર્યું છે. સાથે સાથે એજ્યુકેશન પોલીસી અંતર્ગત ભારતની શિક્ષણ નીતિનું આંતરરાષ્ટ્રીય કક્ષાની બનાવવાની પહેલ પણ તેમના જ માર્ગદર્શનમાં કરવામાં આવી છે.
ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય કેમ્પસ
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ફોરેન યુનિવર્સિટી સ્થાપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જોઈન્ટ/ ડ્યુઅલ/ ડિગ્રી ડ્રાફ્ટ રેગ્યુલેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ પરિપ્રેક્ષ્યમાં ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટી ગાંધીનગર નજીક ગિફ્ટ સિટીમાં તેનું આંતરરાષ્ટ્રીય કેમ્પસ શરૂ કરી રહ્યું છે, તે ગુજરાત માટે ગૌરવની વાત છે. ડીકન યુનિવર્સિટીનો ‘ભારતમાં, ભારત સાથે અને ભારત માટે’નો અભિગમ આવકાર્ય છે.
ઉદ્યોગ તથા સરકાર વચ્ચેની પાર્ટનરશીપ પરિણામલક્ષી
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત અને ડીકન યુનિવર્સિટી વચ્ચે લગભગ છેલ્લા ત્રણ દશકથી સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ છે. ડીકન યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ સંસ્થાઓ, ઉદ્યોગ તથા સરકાર વચ્ચેની પાર્ટનરશીપ પરિણામલક્ષી બનશે એટલું જ નહીં પરંતુ ઉદ્યોગ જગતમાં ગ્રેજ્યુએટ મેનપાવર ઉપલબ્ધ કરવા ગિફ્ટ સિટીએ નિશ્ચિત કરેલા લક્ષ્યાંકને સાકાર કરવા ડીકન યુનિવર્સિટી-ઈન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ સહાયરૂપ બનશે તેવો વિશ્વાસ છે.