રાજુ શ્રીવાસ્તવે 59 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું. કોમેડિયનને આવતીકાલે એટલે કે ગુરુવારે દિલ્હીમાં અંતિમ વિદાય આપવામાં આવશે. પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ રાજુ શ્રીવાસ્તવને મુંબઈ કે લખનૌ લઈ જવામાં આવશે નહીં. આ અંગે પરિવારના સભ્યોનું માનવું છે કે તેમના પરિવાર માટે દિલ્હી પહોંચવું વધુ સરળ છે, જેના કારણે દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવનો પરિવાર ઘણો મોટો છે અને તે પોતાના પરિવાર સાથે ખૂબ જ ફ્રેન્ડલી પણ હતો. આવી સ્થિતિમાં પરિવાર ઈચ્છે છે કે તેમના સ્વજનો તેમના અંતિમ દર્શન કરી શકે.
10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો
રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટે જીમમાં ટ્રેડમિલ પર ચાલતી વખતે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. 10મીએ જ ઉતાવળમાં રાજુની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તે જ દિવસથી રાજુ શ્રીવાસ્તવની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી હતી. રાજુ શ્રીવાસ્તવ એન્જીયોપ્લાસ્ટીથી વેન્ટિલેટર પર હતા. રાજુના પરિવારની વાત કરીએ તો વર્ષ 1993માં રાજુએ તેની પત્ની શિખા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે, પુત્રી અંતરા અને પુત્ર આયુષ્માન.
છેલ્લા 42 દિવસથી હોસ્પિટલમાં દાખલ રાજુ શ્રીવાસ્તવને આજે સવારે લગભગ 10.15 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. રાજુના નિધનના સમાચારથી ફિલ્મ અને ટીવી જગત બંને શોકમાં ગરકાવ છે. રાજુ હવે આ દુનિયામાં નથી એ માનવું કોઈ માટે મુશ્કેલ છે. પોતાના જોક્સથી શ્રોતાઓને હસાવનાર આજે દરેકની આંખોમાં આંસુ લઈને ચાલ્યો ગયો.