News Inside/17 May 2023
..
દેશ બાદ હવે સમગ્ર ગુજરાતમાં આજકાલ એક જ નામ ચર્ચાઈ રહ્યું છે જે બાગેશ્વર બાબાનું નામ છે. બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાગેશ્વર બાબાની ચર્ચા પહેલાં તો માત્ર અન્ય રાજ્યોમાં જ થતી હતી. પરંતુ, હવે આ નામ ગુજરાતમાં પણ સંભળાઈ રહ્યું છે. કારણકે આગામી દિવસોમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતના ત્રણ શહેરોમાં કાર્યક્રમ થવા જઈ રહ્યા છે. જેને લઈને ગુજરાતમાં અત્યારથી જ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. એક તરફ લોકો દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન થઈ રહ્યું છે તો બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ પણ થઈ રહ્યો છે. બાબા બાગેશ્વરને એક બાદ એક પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ વચ્ચે પડકાર ફેંકનાર વ્યક્તિને ધમકી પણ મળી રહી છે.
રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના CEO પુરષોત્તમ પીપળિયા દ્વારા સૌથી પહેલાં બાબા બાગેશ્વરને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો. પુરષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બાગેશ્વર બાબાને કેટલાક સવાલો કર્યા હતા. ફક્ત એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે, બાબા પાસે જો દિવ્ય શક્તિ હોય તો તે જણાવે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે. પરંતું આ પોસ્ટ બદલ રાજકોટના કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના CEO પુરષોત્તમ પીપળિયાને ધમકી મળી છે. 16 મેના રોજ તેઓએ બાગેશ્વર બાબાને ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કોણ મંગાવે છે તે જાણવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
ત્યારે પુરષોત્તમ પીપળિયાને મળેલી ધમકી પર બાબા બાગેશ્વર ધામના આચાર્ય પ્રમોદે જણાવ્યું હતું કે, લેખિતમાં ફરિયાદ હોય તો જણાવજો, સોશિયલ મીડિયામાં કોઈપણ વ્યક્તિ કાંઈ પણ કહી શકે છે. રાજકોટના પુરષોત્તમભાઈને ધમકી મળી હોય તો તેઓ પોલીસની મદદ લઇ શકે છે, પણ આ પ્રકારની ધમકીઓ મામલે અમને કોઈ માહિતી નથી. જેને પણ ચુનૌતી આપવી હોય તે દરબારમાં આવે. રાજકીય કામ રાજકીય રીતે થાય. બાબા જાદુગર, મદારી કે તાંત્રિક નથી, એ આપણા જેવા જ સામાન્ય માણસ છે, તેઓ હનુમાનજીના સેવક છે.
બિહારની રાજધાની પટનામાં બાગેશ્વર બાબાનું એક નિવેદન ખૂબ ચર્ચામાં છે. હવે મોટી વાત એ છે કે આવનાર સમયમાં બાગેશ્વર બાબા ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં પણ કંઈક આ પ્રકારનું પ્રવચન આપી શકે છે. કારણકે, બાગેશ્વર બાબાના દિવ્ય દરબાર માટે ગુજરાતમાં પણ સ્ટેજ તૈયાર થઈ ગયા છે. ગુજરાતના ત્રણ શહેરોમાં બાગેશ્વર બાબા ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યા છે. જેમાં અમદાવાદ, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. 26 અને 27 મેના રોજ બાબા બાગેશ્વર સુરતમાં દિવ્ય દરબાર યોજાશે. જ્યારે 29 અને 30મેના રોજ અમદાવાદમાં દિવ્ય દરબાર યોજશે. તથા રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ દિવ્ય દરબાર યોજાશે. દિવ્ય દરબારની સાથે સાથે ત્રણેય શહેરોમાં રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.