- રાણીપનો બુટલેગર રાજસ્થાનથી ગાડીમાં દારૂ લાવ્યો હતો
- પોલીસને જોઈને 7 આરોપી ભાગી ગયા, દારૂ-બીયરની 1400 બોટલ, બે કાર, રિક્ષા સહિત રૂ.13.43 લાખનો મુદ્દામાલ પકડાયો
પોલિટેકનિક કમ્પાઉન્ડ વર્ગ 4 કર્મચારી ક્વાર્ટર્સ સામેની ખુલ્લી જગામાં દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચ દરોડો પાડ્યો હતો. જોકે પોલીસને જોઈને ત્યાંથી 7 માણસો ભાગી ગયા હતા. જ્યારે સ્થળ પરથી એક બુટલેગર દારૂ-બીયરની 1400 બોટલ તેમજ 5 વાહન મળીને રૂ.13.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાણીપ રામજી મંદિરની બાજુમાં આવેલી રત્નદીપ સોસાયટીમાં રહેતો બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાવળ ગાડીમાં દારૂનો જથ્થો ભરીને પોલિટેકનિક કમ્પાઉન્ડમાં આવ્યો હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચની ટીમને મળી હતી. જેના આધારે પોલીસ ત્યાં પહોંચતા પોલિટેકનિક કમ્પાઉન્ડ વર્ગ 4 કર્મચારી ક્વાર્ટર્સ સામેની ખુલ્લી જગ્યામાં 2થી 3 ગાડી, રિક્ષા સહિતના વાહનો પડ્યા હતા. જ્યારે આ વાહનો લઈને આવેલા માણસો જીતુની ગાડીમાંથી દારૂ-બીયરની બોટલો તેમના વાહનોમાં ટ્રાન્સફર કરી રહ્યા હતા. જેથી પોલીસ તેમને પકડવા દોડી હતી. જોકે પોલીસને જોઈને ત્યાંથી 7 માણસો વાહનો મૂકીને ભાગી ગયા હતા.
પોલીસે સ્થળ પરથી જીતેન્દ્ર રાવળને ઝડપી લીધો હતો. સ્થળ પરથી મળી આવેલા વાહનોની પોલીસે તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની 1127 બોટલ (કિંમત રૂ.1.58 લાખ) તેમજ બીયરના 245 ટીન (કિંમત રૂ.24500), બે કાર અને એક રિક્ષા તેમજ બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 13.43 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે જીતેન્દ્રની પૂછપરછ કરતાં તે આ દારૂનો જથ્થો ઇનોવા ગાડીમાં રાજસ્થાનથી અમદાવાદ લઈને આવ્યો હતો. જ્યારે ભાગી ગયેલા માણસો દારૂની ડિલિવરી લેવા માટે આવ્યા હતા.
જે 7 આરોપીઓ ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા તેમાં વાદળસિંહ રામસિંહ વાઘેલા, ગુલાબસિંહ વાઘેલા, લક્ષ્મણરાવ દેવાસી, આનંદપાલસિંહ દેવડા, ચેતન માળી, બબલૂ ક્રિશ્ચિયન તેમજ એક રિક્ષા ચાલકનો સમાવેશ થાય છે.રાજસ્થાનથી આ દારૂનો જથ્થો ભરેલી કાર પાયલોટિંગ સાથે અમદાવાદ લાવવામાં આવી હતી. જેથી રસ્તામાં ક્યાં પોલીસની નાકાબંધી નડી ન હતી. જ્યારે આ દારૂનો જથ્થો અમદાવાદના કયા કયા બુટલેગરે મગાવ્યો હતો તે દિશામાં ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.જ્યારે બીજી બાજુ આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મોકલનારા બુટલેગરોના નામ જિતેન્દ્રએ પોલીસને જણાવ્યા હોવાથી પોલીસે તેમની પણ તપાસ શરૂ કરી છે.