દેશમાં વારંવાર પલ્ટાતુ હવામાન: પવિત્ર ચારધામ યાત્રા પણ પ્રભાવિત
ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં કમોસમી વરસાદ સાથે ચોમાસા જેવો માહોલ અનુભવી રહ્યા છીએ. તેવામાં પવિત્ર ચારધામ યાત્રા પણ પ્રભાવિત થઈ છે જયાં ક્ષણેક્ષણે હવામાન પલ્ટાતુ હોવાનુ ચિત્ર છે. હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે હજુ થોડા દિવસો હવામાન સમાન પ્રકારનું રહેશે.
આવતા બે દિવસ ઉતર-પશ્ર્ચીમી ભારતમાં 30થી40 કિલોમીટરની ઝડપે વંટોળીયા ફુંકાવાની પણ શકયતા છે. બે દિવસ બાદ કમોસમી વરસાદની માત્રા ધીમી પડી શકે છે. હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રા ચાલી રહી છે ત્યાં પણ વરસાદ-હિમવર્ષા થવાની શકયતાઓ દર્શાવવામાં આવી છે. પર્વતીય ભાગોમાં હિમવર્ષા તથા મેદાની ક્ષેત્રોમાં કરાનો વરસાદ થઈ શકે છે.
રૂદ્રપ્રયાગ, ચમોલી, ઉતરકાશી, બાગેશ્વર તથા પિથૌરાગઢ માટે ચેતવણી જારી કરવામાં આવી છે. વારંવાર પલ્ટાતા હવામાનને કારણે ચારધામ યાત્રા કયાંક આગળ વધારવામાં આવી તો કયાંક રોકવામાં પણ આવી છે. કેદારનાથમાં મોસમ સારુ થતા 9000 યાત્રાળુને રવાના કરવામાં આવ્યા હતા.
વારંવાર પલ્ટાતા હવામાનને ધ્યાને રાખીને રાત્રે 8 વાગ્યાથી ગંગોત્રી-યમુનોત્રી વચ્ચેનો વાહનવ્યવહાર બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉતરાખંડ સિવાય કાશ્મીર, ઉતરપ્રદેશ, દક્ષિણ કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળ તથા આંધ્રપ્રદેશ ઉપરાંત આસામ, મેઘાલય, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડામાં વરસાદ સાથે કરા પડવાની આગાહી કરવામાં આવી છે. આવતા પાંચ દિવસ સુધી દેશમાં કયાંય પણ ‘હીટવેવ’ની સ્થિતિ નહીં હોવાનું પણ હવામાનખાતાએ રીપોર્ટમાં ટાંક્યું હતું.