યશરાજ ફિલ્મ્સ નિર્મિત અને ગુજરાતી એવા સંજય ગઢવી નિર્દેશિત ‘ધૂમ’ ફિલ્મનો યુવાઓમાં ભારે ક્રેઝ હતો. આ ફિલ્મમાં બતાવાયેલી બાઇક ચેઝ હિન્દી સિનેમામાં માઇલસ્ટોન સાબિત થઈ હતી. આ પ્રકારની થ્રિલ રીલની સાથે સાથે રિયલ લાઈફમાં પણ જોવા મળે છે. તાજેતરમાં અમદાવાદ-રાજકોટ હાઇવે પર થયેલી 1400 કિલોની દિલધડક લૂંટ કરનારી કંજર ગેંગને આ જ ‘ધૂમ’ ફિલ્મમાં સ્ટંટ કરવાની ઓફર થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ ગેંગ દ્વારા મહારાષ્ટ્રમાં 11 કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી.
18 ફેબ્રુઆરીના રોજ રાજકોટ-અમદાવાદ હાઈવે પર સાયલા નજીક રસ્તા વચ્ચે ત્રણ ગાડીવાળાએ એક ફોર-વ્હીલ ગાડીચાલકને રોક્યો હતો. બે લોકો ગાડીચાલકને અજાણી જગ્યાએ લઈ ગયા હતા. ત્યાર બાદ ગાડીમાં જે કુરિયરનો જ્વેલરીનો સામાન હતો એ લઈને ફરાર થઈ ગયા હતા. આશરે 1400 કિલોની ચાંદી તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ થઈ હતી. આ ચકચારી ઘટના બાદ રાજકોટ રેન્જની 15થી 17 ટીમ દ્વારા સમગ્ર પંથકમાં નાકાબંધી કરી લૂંટારાને ઝબ્બે કરવાનાં ચક્રો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
મધ્યપ્રદેશના દેવાસમાં નીકળ્યાં ગેંગનાં મૂળિયાં
1400 કિલો ચાંદી ભરેલી ટ્રકને લૂંટનારી આ ગેંગ કોણ હતી? ક્યાંથી આવી? એ અંગે પોલીસને કોઈ જ જાણ નહોતી. જેથી પોલીસ પણ અંધારામાં હાથપગ મારી રહી હતી, ત્યારે પોલીસે એક ટ્રકના નંબરના આધારે તપાસ શરૂ કરી. આ તપાસમાં એનાં મૂળિયાં છેક મધ્યપ્રદેશના દેવાસમાં નીકળ્યાં હતાં. પોલીસે લૂંટમાં વપરાયેલા આ વાહનના ચાલકને પકડી લઈ આ લૂંટનો ભેદ ઉકેલી લીધો છે તેમજ 1400 કિલોમાંથી 100 કિલો ચાંદી રિકવર પણ કરી લીધી છે.
એક માલિકે બીજાને અને બીજાએ ત્રીજાને ટેમ્પો વેચી દીધો
જ્યારે 1,400 કિલો ચાંદીની લૂંટ થઈ ત્યારે કોઈપણ પ્રકારનું પગેરું ન મળતાં પોલીસ અવઢવમાં મુકાઈ હતી, ત્યારે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમોએ જે સ્થળે લૂંટ થઈ હતી એ સ્થળેથી રાજકોટ તરફ અને અમદાવાદ તરફ તપાસનો દૌર શરૂ કર્યો હતો. કલાકો સુધી મહેનત કર્યા બાદ એક ટેમ્પો આઇડેન્ટિફાય થયો હતો. આ ટેમ્પોમાં લૂંટનો માલસામાન લઈ જવામાં આવ્યો હોવાની આશંકા હતી. એના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આ ટેમ્પો એક માલિકે બીજાને અને બીજાએ ત્રીજાને વેચી દીધો હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. આખરે તપાસ કરતાં કરતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ મધ્યપ્રદેશના દેવાસ સુધી પહોંચી ગઈ હતી. બીજી તરફ ટેમ્પોમાં બેઠેલા માણસે મોઢા પર માસ્ક પહેર્યું હતું. એને કારણે ક્રાઈમ બ્રાન્ચની આ લૂંટારો હોવાની સંભાવના પાક્કી થઈ ગઈ હતી.
જે વિસ્તારમાં પ્રવેશતાં ભલભલા ધ્રૂજે ત્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પાર પાડ્યું
આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે આ ગુનો ડિટેક્ટ કરવા માટે અમને માત્ર એક જ નંબર મળ્યો હતો. ત્યાર બાદ ચોરીમાં વપરાયેલું વાહન અલગ અલગ ત્રણ જગ્યાએ વેચાઈ ગયું હતું,. પરંતુ ડિટેક્શન માટે અમારે ટાસ્ક હતો, અમે એ માટે અમારી ટીમ અલગ અલગ જગ્યાએ કામ કરી રહી હતી. જ્યારે અમારી ટીમ દેવાસના લોકેશન પર પહોંચી ત્યારે કંજર ગેંગના જ સમાજના 56થી વધુ ગામ આવેલાં છે, જ્યાં એકલદોકલ વ્યક્તિને જવું મુશ્કેલ છે, પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ આરોપીઓને ત્યાંથી ઉઠાવી લીધા, જેમાં ખાડો ખોદીને 100 કિલોથી વધુ ચોરીનો માલ રિકવર કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય મુદ્દામાલ રિકવર કરવા માટે અમારી ટીમ કામ કરી છે.
રાજકોટ પોલીસ ફેઇલ થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાજી સંભાળી
રાજકોટથી 1400 કિલો ચાંદી ભરેલી ટ્રક અમદાવાદ એરપોર્ટ તરફ આવતી હતી, ત્યારે કંજર ગેંગના સભ્યોએ સાયલા નજીક ધૂમ સ્ટાઇલમાં દિલધડક લૂંટ ચલાવી લગભગ ચાર કરોડ રૂપિયાની 1400 કિલો ચાંદી લૂંટી લીધી હતી. કંજર ગેંગનું પગેરું મેળવવામાં રાજકોટ પોલીસ નિષ્ફળ ગઈ હતી, ત્યારે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાજી સંભાળી લીધી અને મધ્યપ્રદેશના દેવાસથી આ ચાંદીની લૂંટ કરનાર 6 લૂંટારાને ઝડપી લીધા છે.
ડ્રોન ઉડાવીને બાકીની ચાંદીની શોધખોળ
લૂંટના મુખ્ય સૂત્રધારે 100 કિલો ચાંદી પોતાના સગા સાળાના પડોશીના ઘરમાં ખાડો ખોદીને દાટી દીધી હતી, પરંતુ પોલીસે ત્યાં ખાડો ખોદીને આ ચાંદી શોધી કાઢી હતી. કદાચ એવું કહેવાય કે કંજર ગેંગ દ્વારા લૂંટ કરવામાં આવેલી કોઈપણ વસ્તુની આ પહેલી રિકવરી છે.1400માં કિલો ચાંદીમાંથી 100 કિલો ચાંદી તો રિકવર થઈ ગઈ છે, પરંતુ હવે બાકીની 1300 કિલો ચાંદી આજુબાજુનાં ખેતરોમાં અથવા તો ફળિયાઓમાં છુપાવવામાં આવી હોવાની આશંકાને આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીઓને સાથે રાખીને ડ્રોન ઉડાવીને બાકીની ચાંદીની શોધખોળ કરી રહી છે.
સાગરીતોને અલગ અલગ કોડ નેમ આપ્યા
લૂંટ દરમિયાન તમામ સાગરીતોનાં અલગ નામ આપવામાં આવ્યાં હતાં અને તેઓ એકબીજાને કોડ નેમથી જ બોલાવતા હતા. સમગ્ર લૂંટને અંજામ આપવામાં આવ્યો એ પહેલા કંજર ગેંગના સભ્યોએ મિટિંગ કરીને બધાને અલગ કોડ નેમ આપી દેવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય સૂત્રધારનું નામ બંટી ચૌહાણ રાખવામાં આવ્યું હતું એટલે લૂંટની આખી ઘટના પાર પાડવામાં આવી ત્યાં સુધી મુખ્ય આરોપી બંટી ચૌહાણના નામથી ઓળખાતો હતો.
એક મહિના સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં ધામા નાખ્યા હતા
સમગ્ર દેશમાં લૂંટ અને ચોરી મામલે હાહાકાર મચાવનારી કંજર ગેંગે સુરેન્દ્રનગર જિલ્લાને ટાર્ગેટ કર્યો છે. એક મહિનાથી વધુ સમય પહેલા લીંબડી નજીકથી ચાલુ ટ્રકમાંથી એપલ તથા કીમતી મોબાઈલ ફોનની ચોરી કરી અને કંજર ગેંગના સાગરીતો ફરાર બન્યા હતા. ત્યાર બાદ છ દિવસ પહેલાં સાયલા હાઈવે ઉપરથી 1400 કિલો ચાંદી અને અન્ય ઝવેરાતની ચોરી કરી, આ કંજર ગેંગના સાગરીતો જ મોડસ ઓપરેન્ડી પ્રમાણે હોવાનું ખૂલવા પામ્યું છે. ત્યારે જિલ્લામાં કંજર ગેંગનો આતંક વધતો જઈ રહ્યો છે. અને ખાસ કરી ગુજરાતમા સુરેન્દ્રનગર જિલ્લાને જ કંજર ગેંગ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવ્યા હોવાનું પણ ખૂલવા પામ્યું છે.
કર્ણાટક અને મહારાષ્ટ્ર પોલીસ પણ કંજર ગેંગને પકડી શકી નથી
ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોનું કહેવું છે કે આ ગેંગ દેશભરનાં રાજ્યોમાં લૂંટ ચલાવવા માટે કુખ્યાત છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ કરોડો રૂપિયાની લૂંટ ચલાવી છે. બન્ને રાજ્યની પોલીસ આ ગેંગને શોધી રહી છે પરંતુ તેના તમામ આરોપીઓને પકડી શકી નથી. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ આરોપીઓને પકડી પાડ્યા છે.