ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા ઉપરાંત સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી તેમજ ડ્રગ્સ-દારૂ-હથિયારોની હેરાફેરી સહિતના અસંખ્ય ગુનાઓમાં સંડોવાઈ ચૂકેલા ખૂંખાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને આજે જડબેસલાક સુરક્ષા વચ્ચે નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. એકાદ વર્ષ પહેલાં કચ્છમાંથી 500 કરોડ રૂપિયાની કિંમતનું 39 કિલો હેરોઈન મળી આવ્યું હતું જેને લાવનારા પાંચ જેટલા પાકિસ્તાની શખ્સો પકડાયા હતા.
આ લોકો સાથે લોરેન્સ બિશ્નોઈનું કનેક્શન ખુલ્યું હોવાથી એટીએસ દ્વારા તેની પૂછપરછ કરવા માટે નલિયા કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવ્યા છે.
લોરેન્સ બિશ્નોઈ પટિયાલા હાઉસમાં કેદ હતો જ્યાંથી ગુજરાત એટીએસે તેની કસ્ટડી મેળવી લીધી છે. તેને દિલ્હીથી અમદાવાદ પ્લેન મારફતે લાવવામાં આવ્યો હતો જ્યારે અમદાવાદથી નલિયા સુધી તેને બાય રોડ લવાયો હતો. જો કે નલિયા લાવતી વખતે કોઈ દૂર્ઘટના ન બને કે કોઈ પ્રકારનો હુમલો ન થાય તે માટે એટીએસ એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા છે. એકંદલે એટીએસનો મોટો કાફલો બિશ્નોઈને લઈને નલિયા કોર્ટમાં પહોંચ્યો હતો. નલિયા કોર્ટમાં રજૂ કરાયા બાદ એટીએસ દ્વારા તેના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પટિયાલા હાઉસ કોર્ટે ગુજરાત એટીએસની ટ્રાન્ઝીટ રિમાન્ડની અરજી મંજૂર કરતાં ચેતક કમાન્ડોની ટીમ લોરેન્સને ગુજરાત લાવવા રવાના થઈ હતી. એક સપ્તાહ પહેલાં એનઆઈએએ લોરેન્સ બિશ્નોઈને સાત દિવસના રિમાન્ડ પર મેળવ્યો હતો અને પટિયાલા હાઉસ કોર્ટે આ રિમાન્ડ મંજૂર કર્યા હતા. એનઆઈએએ કોર્ટ પાસેથી આ કેસમાં રિમાન્ડની માંગણી કરી હતી. આ કેસ ગત ડિસેમ્બર મહિનામાં દાખલ કરવામાં આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે કેવી રીતે આતંકવાદી સંગઠન આંતરરાષ્ટ્રીય અને આંતર રાજ્ય સીમાઓના માધ્યમથી હથિયારો અને દારૂગોળાની તસ્કરી માટે સંગઠિત ક્રાઈમ સિન્ડીકેટનો ઉપયોગ કરી રહ્યું છે.
બીજી બાજુ લોરેન્સ બિશ્નોઈનો આતંક દિવસેને દિવસે વકરતો જઈ રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં અનેક લોકોને ધમકીઓ આપી છે જેમાં સેલિબ્રિટીઓ પણ સામેલ છે. આ ઉપરાંત તેણે શિવસેના નેતા સંજય રાઉત, વિવાદાસ્પદ અભિનેત્રી રાખી સાવંત સહિતનાને પણ તે ધમકાવી ચૂક્યો છે. હવે એટીએસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે ત્યારે કોર્ટ તેના કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે તેના પર સમગ્ર ગુજરાતની મીટ મંડાયેલી છે. બીજી બાજુ બિશ્નોઈને નલિયા કોર્ટમાં લાવવામાં આવી રહ્યો હોવાનું ધ્યાન પર આવતાં જ મોટી સંખ્યામાં કોર્ટ બહાર લોકો એકઠા થઈ ગયા હતા જેને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.