News Inside/ Bansari Bhavsar: 7 March 2023
ગુજરાત કોસ્ટ ગાર્ડ (ICG) તેમજ ATS દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 5 ક્રૂ સાથે એક ઈરાની બોટને 61 કિલો હેરોઈન સાથે પકડી પાડી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે એક ઈરાની માછીમારી કરી રહેલી બોટમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે અને અને મધ દરિયે ગુજરાતની એક બોટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ બાતમીના આધારે ATSની ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું. દરિયામાં અંધારામાં ઓપરેશન પાર પાડવાનું હોવાથી કોસ્ટગાર્ડની મદદ લેવાઈ હતી.ભારતીય જળસીમામાં એક બોટ શંકાસ્પદ રીતે ફરતી જોવા મળેલ. કોસ્ટગાર્ડની સ્પીડ બોટ દ્વારા દરિયામાં 190 નોટિકલ માઇલ્સ એટલે કે 340 કિમી ખાતે પહોંચી, બાતમી પ્રમાણેની ઈરાની બોટને અટકાવવા પ્રયાસ કરાતાં તેણે ઇન્ડિયન મરીનલાઈનની બહાર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષાકર્મીઓએ એને અટકાવીને બોટમાં તપાસ કરી હતી. તપાસમાં આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ઈરાની નાગરિકતાના પાંચ ક્રુ હતા. એમાંથી 427 કરોડની કિંમતનું 61 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. પાંચેય આરોપીને પકડીને બોટ સાથે રાત્રે ઓખા બંદરે લાવી કાર્યવાહી શરૂ કરાઈ હતી.આ સાથે બોટ અને ક્રૂની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે એને ઓખા લાવવામાં આવી રહ્યા છે. છેલ્લા અઢાર મહિનામાં ICG એ ATS સાથેના જોડાણમાં આઠ વિદેશી જહાજને પકડી લીધાં છે અને રૂ.2355.00 કરોડની કિંમતના 407 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે.ATSનાં સૂત્રોનું કહેવું છે કે ઇરાનના માછીમારો ગલ્ફ ઓફ ઓમાનથી પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર ગયા હોવાની શંકા છે. જ્યાંથી હેરોઇનનો જથ્થો લોડ કરીને મધદરિયે બીજી બોટમાં સપ્લાય કરવાનો પ્લાન હોવાની શક્યતા છે. આરોપીની આ મુદ્દે પૂછપરછ કરાશે.
