અમદાવાદ: ગાંધીનગરના ડીંગુચા ગામના ચાર લોકો યુએસ-કેનેડા સરહદ પાર કરતી વખતે મૃત્યુ પામ્યાના એક વર્ષ પછી, ગુજરાત પોલીસ અથવા અન્ય કોઈપણ ભારતીય એજન્સીઓ હજુ સુધી આ કેસના ત્રણ મુખ્ય તસ્કરો ફેનિલ પટેલ, રાજીન્દર પાલ સિંહ અને બિટ્ટાસિંહ માંથી કોઈને પણ પકડી શકી નથી.
હવે જાણવા મળે છે કે સુરતનો રહેવાસી ફેનિલ 2007થી કેનેડામાં રહેતો હતો અને અમેરિકા ભાગી ગયો હતો.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, ફેનિલ અને બિટ્ટાસિંહ, જગદીશ પટેલ (39), તેમની પત્ની વૈશાલી પટેલ (37), અને તેમના બાળકો વિહાંગી પટેલ (11) અને પુત્ર ધાર્મિક પટેલ (3)ના મૃત્યુના આરોપી હતા.
જગદીશ અને તેના પરિવારના સભ્યો 19 જાન્યુઆરીના રોજ યુએસ બોર્ડર પાસે મૃત્યુ પામેલા મળી આવ્યા હતા.
ગુજરાતના ગૃહ વિભાગે CID (ક્રાઈમ)ને તપાસ સોંપી હતી પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું. 15મી જાન્યુઆરીએ શહેર ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓ – વસ્ત્રાપુરમાંથી યોગેશ પટેલ અને કલોલમાંથી ભાવેશ પટેલની ધરપકડ કરી હતી.
યોગેશ અને ભાવેશ ફેનિલ, બિટ્ટાસિંહ અને રાજીન્દર પાલ સાથે મળીને કામ કરતા હતા. નવેમ્બર 2021માં ડીલ ફાઈનલ કરવા માટે ફેનિલ પણ શહેરમાં આવ્યો હતો. ફેનિલ કેનેડાના અલગ-અલગ શહેરોમાં રહેતો હતો અને તેના બે સાથી યોગેશ અને ભાવેશને શહેરની ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા બાદ, ફેનિલ યુએસ ભાગી જવામાં સફળ થયો હતો, એવુ જણાવ્યું હતું. ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારી આ કેસનું નિરીક્ષણ કરી રહ્યા છે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આ કેસ અંગે કેનેડિયન સત્તાવાળાઓ સાથે પણ સંકલન કર્યું હતું પરંતુ તેમ છતાં, તેઓને કસ્ટડી મેળવવામાં કે પછી ફેનિલ અથવા બિટ્ટાસિંહ કઈ જગ્યાએ છે એની પણ ભાળ મેળવવામાં કોઈ સફળતા મળી ન હતી.
અમેરિકી પોલીસની કસ્ટડીમાં રહેલા રાજીન્દર પાલ પણ ડીંગુચા કેસમાં શંકાસ્પદ છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસને હજુ સુધી તેની સામે નક્કર પુરાવા મળ્યા નથી.