ગુજરાત : રાજ્યભરમાંથી લાખો ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પુરી થતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. આ પરીક્ષા હસમુખ પટેલના નેતૃત્તવમાં યોજવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિમામ જૂનમાં આવવાનું છે. નોંધનીય છે કે, જાન્યુઆરીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના કારણે આ વખતે પરીક્ષા પહેલા ગૃહમંત્રીથી લઇને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને નજર રાખવામાં આવી રહી હતી. આજે ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી છે.
જૂન મહિનામાં આવશે પરિણામ
પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે આ પરીક્ષાના પરિણામ અંગે જણાવ્યું હતુ કે, જૂન મહિનામાં આ પરીક્ષાનું પરિણામ આવવાનું છે. ત્યારે આજે કોઇપણ જગ્યાએ કોઇ જ ગેરરીતિ સર્જાઇ નથી.
‘પેપર સરળ હતુ’
આ ઉપરાંત ઉમેદવારોને પરીક્ષા અંગે પૂછતા તેમણે જણાવ્યુ કે, આજનું પેપર સરળ હતુ પરંતુ થોડું લાંબુ હતુ. કોઇપણ વિવાદાસ્પદ પ્રશ્નો પણ પૂછાયા ન હતા. પેપર એકદંરે સારું હતુ.
સીસીટીવી કેમેરાથી સજ્જ પરીક્ષા ખંડ
શનિવારે પરીક્ષાની તૈયારીઓ પર જણાવતા હસમુખ પટેલે જણાવ્યુ હતુ કે, જૂનિયર ક્લર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોને કોઈપણ મુશ્કેલી ન પડે તેવા અમારા પ્રયાસ છે. દરેક પરીક્ષા ખંડમાં CCTV કેમેરા લગાવાયા છે. સાથે જ પોલીસ અને અધિકારીઓની તાલીમ આપવામાં આવી છે. આ પરીક્ષાનું પરિણામ જૂનમાં જાહેર થશે. ST વિભાગે વધારાની બસો પણ મુકી છે. વિદ્યાર્થીઓ માટે બસમાં ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ પોલીસને ખાસ સૂચનો કરાયા છે. પરીક્ષા માટે તંત્ર અને પોલીસ તૈયાર છે. પરીક્ષા માટે અધિકારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે.