રાજુલાના કોવાયાની ખાનગી કંપનીમાં આવેલા મોલમાં શિકારની શોધમાં ઘૂસ્યો સાવજ
અમરેલી જિલ્લામાં સિંહનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની નજીક મોલ આવેલો છે. તેની ગેલેરીમાં મોડી રાતે સિંહ શિકારની શોધમાં ઘૂસ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વનના રાજા મોલની અંદર ઘૂસી ગયા હતા. જેને લઈ સિક્યુરિટી સહિત કર્મચારીઓ અને વસવાટ કરતા પરપ્રાંતી લોકોમાં ભય ફેલાયો હતો.
કર્મચારીઓ સહિત લોકોમાં ફફડાટ ફેલાયો
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે. જેથી શિકારની શોધમાં વનના રાજા અનેક વખત ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડતા હોય છે. પહેલા સિંહો ગામની બજારોમાં આંટાફેરા કરતા હતા, હવે તો ઉદ્યોગ ઝોન વિસ્તારના રેસિડેન્ટ વિસ્તારમાં પણ સિંહો ઘૂસી રહ્યા છે. કોવાયા નજીક એક મોલમાં સિંહ ઘૂસી ગયો હતો. શિકારની શોધમાં આવેલો સિંહ સીસીટીવીમાં કેદ થયો હતો. જેને લઈ ત્યા કામ કરતા કર્મચારીઓ સહિત લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.