હાલમાં સુરતમાં બનેલી એક ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ છે અને ચારેય બાજુ એડવોકેટ મેહુલ બોઘરા ની ચર્ચાઓ થઈ રહી છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાજન ભરવાડ નામના TRB સુપરવાઇઝરે એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ પ્રહાર કર્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચાનો વિષય બની ગયો હતો અને મોટી સંખ્યામાં એડવોકેટ મેહુલ બોઘરાના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
હાલના સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહીઓ ચાલી રહી છે. મેહુલ બોઘરા વિશે જાણીએ તો, તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પીપળી ગામના વતની છે. હાલમાં તેઓ સુરતના યોગીચોક વિસ્તારમાં રહે છે અને તેઓએ B.COM કર્યા બાદ વડોદરામાંથી એલએલબી કરીને સુરતમાં ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે.
હાલમાં એડવોકેટ મેહુલ બોઘરા છેલ્લા બે વર્ષથી પોલીસ અધિકારીઓથી લઈને સરકારી તંત્રમાં ચાલતી લાપરવાહી સામે અવાજ ઉઠાવી રહ્યા છે. અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ખુલ્લેઆમ થતા કાયદાના ભંગને સોશિયલ મીડિયામાં જાહેર કરવાનું કામ શરૂ કર્યું છે.
મેહુલ બોઘરા કાયદો બધા માટે સમાન રહે તે માટે કાર્ય કરી રહ્યા છે. તેઓ પોલીસ અધિકારીઓ અને સરકારી તંત્રમાં ચાલતી લાપરવાહી સામે અવાજ ઉઠાવે છે અને તેમનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં તેમને ઉઘાડા પાડે છે. આ કામ કરવાથી ઘણી વાર તંત્રના લોકો દ્વારા તેમને ધમકીઓ પણ આપવામાં આવે છે.
છતાં પણ એડવોકેટ મેહુલ બોઘરા કોઈના થી ડરતા નથી અને અડંગ રહે છે. તેમનું માનવું છે કે, પોલીસ અધિકારીઓ ધારે તો કાયદાના સહારે તમામ તંત્રો સુધારી શકે છે અને ભ્રષ્ટાચાર દૂર કરી શકે છે. પરંતુ અમુક અધિકારીઓ અને કર્મચારીઓ ખાખી આડમાં પોતાને સર્વેસર્વા માને છે. લોકોને સીધા કરવાનું કામ મેહુલ બોઘરા કરી રહ્યા છે.
એડવોકેટ મેહુલ બોઘરા નું કહેવું છે કે ઘણા સારા અધિકારીઓ અને કર્મચારીઓ છે જે પોતાનું કામ સારી રીતે કરી રહ્યા છે, તેમને હું સલામ કરી રહ્યો છું. પરંતુ નિયમો જેમ લોકોને લાગુ પડે તેમ તમામને લાગુ પાડવા જોઈએ તેના કારણે હું આ લોકો સામે અભિયાન ચલાવી રહ્યો છું અને લોકોમાં જાગૃતતા આવે તો પ્રયાસ કરી રહ્યો છું.