નવસારીના સાંસદ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલના 68મા જન્મદિને શાળાના બાળકોને મ્યુનિ. દ્વારા દૂધ વિતરણ કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં અનુપમ (સ્માર્ટ)પ્રાથમિક શાળા નં.૨ ખાતે મ્યુનિસિપલ શાળાઓના દૂધ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલના 68મા જન્મદિને રાજ્યભરમાં લોકોપયોગી અને સમાજકલ્યાણના કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે મ્યુનિસિપલ શાળાઓ સહિત અન્ય શાળાઓમાં 6800 જેટલા વિદ્યાર્થીઓને દૂધ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેનો શુભારંભ મુખ્યમંત્રીશ્રીના હસ્તે 7 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે દૂધ વિતરણ કરીને કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત સોલા પ્રાથમિક શાળા, ભાડજ પ્રાથમિક શાળા, થલતેજ પ્રાથમિક શાળા, શીલજ પ્રાથમિક શાળા, ઈન્દિરા આવાસ પ્રાથમિક શાળા શીલજ, જગતપુર પ્રાથમિક શાળા, ઘાટલોડિયા પ્રાથમિક શાળા નં ૨ અને ૩, મેમનગર પ્રાથમિક શાળા, વસ્ત્રાપુર પ્રાથમિક શાળા, આંબલી પ્રાથમિક શાળા, ચાણક્યપુરી પ્રાથમિક શાળા , સોલા ભાગવત વિદ્યાપીઠ, ગોતા પ્રાથમિક શાળા, ખ્યાતિ પ્રાથમિક શાળા સહિતની શાળાઓના બાળકોને દૂધ વિતરણ કરવામાં આવશે. આ શાળાઓના પ્રતિનિધિ શિક્ષકોએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે દૂધ સ્વીકાર્યું હતું. શાળાના વિદ્યાર્થી બેન્ડ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ દૂધ વિતરણ પ્રસંગે અમદાવાદના ધારાસભ્યશ્રીઓ – અમિતભાઈ શાહ, જીતેન્દ્રભાઈ પટેલ, કૌશિકભાઈ જૈન ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ. થેન્નારસન, ડેપ્યૂટી મેયર શ્રીમતી ગીતાબહેન પટેલ, AMC સત્તાધીશો, કાઉન્સિલરો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.