અમદાવાદમાં રખડતા ઢોર બાદ રખડતા શ્વાનનો આતંક પણ વધી રહ્યો છે. સરખેજના સોનલ સિનેમા રોડ પાસે પારણામાં સુતેલા બાળક પર ચાર શ્વાને હુમલો કર્યો હતો. જે બાળકને પારણામાંથી શ્વાન ખેચીને દૂર સુધી લઈ ગયા હતાં જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. જો કે, સમગ્ર ઘટના કોઈ સ્થાનિકની નજરે ચડતા શ્વાન પાછળ દોડી બાળકને બચાવી લેવાયો હતો પરંતુ તે બાળકને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચાડી છે.
તમને જણાવી દઈએ કે, શ્વાન નિયંત્રણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડોનો ખર્ચો કરે છે પરંતુ સ્થિતિ ત્યાંથી ત્યાં જ હોય તેવુ આ કિસ્સા પરથી જાણી શકાય છે. પાપ્ત વિગતો મુજબ એક આંકડો સામે આવ્યો છે જે પ્રમાણે વર્ષ 2022માં શ્વાન કરડવાના 58,668 કેસ નોંધાયા હતા જો કે 2021 કરતા 7457 કેસ વધું નોંધાયા છે.
AMCની વિગતો અનુસાર 2022માં સૌથી વધુ કૂતરા કરડવાના કેસ ડિસેમ્બરમાં નોંધાયા હતા જ્યારે હોસ્પિટલો અને શહેરી આરોગ્ય કેન્દ્રોમાં કૂતરાના કરડવાના 5,880 કેસ નોંધાયા હતા. સૂત્રો પાપ્ત વિગતો મુજબ લોકડાઉનને કારણે 2020-2021ના સમયગાળામાં કૂતરા કરડવાના કેસમાં ઘટાડો થયો છે અને 2019માં શહેરની હોસ્પિટલો અને UHCમાં કૂતરા કરડવાના 65,881 કેસ નોંધાયા હતા. જે 2020માં 51,244 અને 2021માં 50,668 નોંધાયા હતાં. તંત્ર દ્વારા રખડતા શ્વાનને લઈ ખસીકરણ, અને તેને પકડવાની કામગીરી અવિરત ચાલુ હોવાના સતત દાવોઓ કરવામાં આવે છે પરંતુ પરિણામ આપ સૌની સમક્ષ જ છે.