રાજ્યમાં ઉનાળાનું વેકેશન પડતા રાજ્ય સરકારે પર્યટકો અને મુસાફરોની સુવિધાને લઈ ખાસ નિર્ણય લીધો છે. મુસાફરોને એક સ્થળ પરથી બીજા સ્થળ આવવા જવા મુશ્કેલી ન સર્જાય તેને લઈ 1400 જેટલી એકસ્ટ્રા બસ ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ બાબતની જાહેરાત વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રથી ઉત્તર તરફ સુરતથી સૌરાષ્ટ્ર તરફ તેમજ દક્ષિણથી ઉત્તર અને સૌરાષ્ટ્ર તરફ બસ સર્વિસ સંચાલિત કરવામાં આવશે તેમજ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતર-રાજ્ય બસ સર્વિસનું પણ આયોજન છે.
મુસાફરોને તકલીફ ન પડે તેમજ રાજ્યના વિવિધ યાત્રાધામ અંબાજી, સોમનાથ તેમજ દ્વારકા, પાવાગઢ તેમજ ગિરનાર, ડાકોર સહિતના ધાર્મિક સ્થળો તેમજ પર્યટક સ્થળો પર એકસ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, સાથો સાથ સ્ટેચ્યૂ ઓફ યુનિટી, દીવ અને કચ્છ, સાસણ ગીર, સાપુતારામાં એકસ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઉનાળાના વેકેશનમાં લોકો વિવિધ ધાર્મિક તેમજ પર્યટક સ્થળની મુલાકાતે જતા હોય છે ત્યારે તેમને મુસાફરીની બાબતમાં જરા પણ મુશ્કેલી ન પડે તેને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને રાજ્યના પર્યટન સ્થળોની સાથો સાથ અન્ય પડોશી રાજ્યમાં નજીકના વિસ્તારમાં આવેલા સ્થળોએ પણ એકસ્ટ્રાબસની સુવિધા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં રાજસ્થાનમાં માઉન્ટ આબુ, સુન્ધા માતા અને મહારાષ્ટ્રમાં શિરડી, નાસિક, ધુલિયા જેવા આંતર રાજ્ય સ્થળોએ બસોની સુવિધા વધારવામાં આવશે.