રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદે માઝા મુકી છે ગઈકાલે સુરત સહિત કેટલાક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો તો બીજી તરફ રાજ્યના હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદી કમઠાણની આગાહી કરી છે. ભર ઉનાળે વરસાદ થતાં તેમજ ફરી માવઠાની આગાહી કરવામાં આવતા જગતનો તાત ફરી ચિંતામાં મુકાયો છે. કમોસમી વરસાદને લઈ ફરી કેરી સહિતના પાકમાં મોટું નુકસાન થવાની ભીંતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં ફરી ધીમી ધારે વરસાદ ખાબકી શકે છે. કમોસમી વરસાદના અગાઉના રાઉન્ડનું પાક નુકસાનીનું સર્વે માંડ પત્યું છે ત્યાં ફરી પાક નુકસાનની ભીંતિ સેવતા ખેડૂતો થઈ ગયા છે અત્રે તમને જણાવી દઈએ કે, અગાઉ કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનને લઈ સરકાર ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરશે. ત્યારે ફરી કમોસમી વરસાદની આગાહીથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે
આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે જેમાં ડાંગ, સુરત તેમજ તાપી,નવસારી અને વલસાડમનો સમાવેશ થાય છે. સાથો સાથ છોટા ઉદેપુર, નર્મદા,દાહોદના અમુક વિસ્તારમાં પણ કમોસમી મેઘ સવારીની આગાહી કરવામાં આવી છે.
વરસાદની આગાહી સાથો સાથ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. કમોસમી વરસાદને લઈ જગતનો તાત ચિંતામાં મુકાયા છે. અગાઉના કમોસમી વરસાદના કારણે ખેડૂતને ઘંઉ, કેરી સહિતના પાકમાં મોટા પાયે નુકસાન થયું હતું. કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાન બાબતે સરકારે સર્વેના આદેશ આપ્યા હતા જે ગઈકાલે સર્વની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે જેને લઈ રાજ્ય સરકાર પાક નુકસાની સહાચ પેકેજ જાહેર કરી શકે છે.