ગુજરાતમાં ફરી એકવાર કમોસમી કમઠાણની આગાહી કરાઈ છે, રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે આજે અને આવતીકાલે એટલે કે, 27 અને 28 અપ્રિલે દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. આગાહી મુજબ બે દિવસ કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થશે તો ક્યાંક ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ ખાબકી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ જો વાત 26 એપ્રિલ એટલે કે આજની કરીએ તો આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે સાથો સાથ ગઈકાલે અમદાવાદના વાતવરણમાં પણ એકાઅક પલટો જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારમાં એકાઅક ધૂળની ડમરીઓ ઉડી હતી ક્યાંક હળવા વરસાદી છાંટા પણ પડ્યા હતાં.
આગાહી મુજબ 28 એપ્રિલ એટલે કે આવતીકાલે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારમાં કમોસમી મેઘસવારીની શક્યતા છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે ઉનાળામાં પણ સતત વરસાદી વાતાવરણ રહેતા કેરી સહિતના પાકમાં ભારે નુકસાન થયું છે જો કે, ફરી કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.