News Inside: દિલ્હી સહિત ભારતના ઘણા વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં એપ્રિલ મહિનામાં સામાન્ય કરતાં ઓછી ગરમી પડી છે. આ વર્ષે દિલ્હીમાં સરેરાશ મહત્તમ તાપમાન 35.32 ડિગ્રી સેલ્સિયસ હતું, જો કે, વર્ષ 2022માં સરેરાશ 40.2 ડિગ્રી તાપમાન કરતાં ઘણું ઓછું હતું. ઉત્તરાખંડની વાત કરીએ તો રવિવારે દેહરાદૂન અને અન્ય મેદાની પ્રદેશમાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ ચારધામ યાત્રા દરમિયાન બદ્રીનાથ, કેદારનાથ અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ ફેરફાર મે મહિનામાં હવામાનમાં જોવા મળશે. તો વળી ગુજરાતમાં પણ કમોસમી વરસાદની મોસમ યથાવત જોવા મળી રહી છે
દેશના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. 3 મે સુધી દેશના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ હવામાનને લઈ આગાહી કરી છે. કહ્યું કે, 4 મેથી પછી કમોસમી વરસાદમાં ઘટાડો નોંધાશે. ગયા અઠવાડિયે, IMDએ આગાહી કરી હતી કે મે મહિનામાં ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે. આ સાથે મે મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે.
મે મહિનાની શરૂઆતમાં જોવા મળતું આહલાદક વાતાવરણ પ્રથમ સપ્તાહ પછી જોવા નહીં મળે. આ પછી દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો કહેર જોવા મળશે અને લોકોને હીટવેવનો સામનો કરવો પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના પૂર્વ અને પૂર્વ મધ્ય ભાગોમાં હીટવેવનો પ્રકોપ વધુ જોવા મળશે. આવી સ્થિતિમાં સમગ્ર દેશમાં મે મહિનાની સિઝનમાં મિશ્ર વાતાવરણ જોવા મળશે. હવામાનમાં આવેલા આ બદલાવનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને નિષ્ણાતો જણાવી રહ્યા છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટનર્બ સક્રિય છે તેના કારણોસર દેશના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 મેના રોજ વધુ એક તાજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેખાઈ રહી છે જે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરી શકે છે. જેની અસર 3 મે સુધી જોવા મળશે. મે મહિનામાં વિષુવવૃત્તીય પેસિફિક ક્ષેત્રમાં અલ નીનો સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.