ભારતીય હવામાન વિભાગ (IMD)એ હીટવેવને લઈ વિગતો આપી છે કે, શનિવારથી આગામી પાંચ દિવસ સુધી ક્યાંય પણ હીટવેવની કોઈ શક્યતા નથી . વધુમાં જણાવ્યું કે, શનિવારે દેશભરમાં અલગ-અલગ સ્થળોએ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસ સુધી હીટવેવ નહી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. હીટવેવની સ્થિતિમાં રાહતની આગાહી કરી છે.
હવામાન બુલેટિનમાં, IMDએ જણાવ્યું હતું કે મધ્ય ભારતમાં આગામી 4 દિવસ દરમિયાન પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ગાજવીજ, વીજળી, તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 24 એપ્રિલે વિવિધ સ્થળોએ કરા પડવાની ચેતવણી પણ જારી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન દેશના લગભગ તમામ રાજ્યોમાં ખુશનુમા વાતાવરણ જોવા મળશે અને લોકોને ગરમીમાંથી રાહત મળશે. વિભાગે આગાહી કરી છે કે તામિલનાડુ અને કેરળ રાજ્યોમાં 23 એપ્રિલે ભારે વરસાદની સંભાવના છે, જ્યારે આંધ્રપ્રદેશ, તેલંગાણા, આંતરિક કર્ણાટકમાં ગાજવીજ તેમજ ભારે પવન સાથે હળવાથી છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
IMD અનુસાર, 24 એપ્રિલથી 26 એપ્રિલ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. રાજસ્થાન સિવાય આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં કેટલાક સ્થળોએ વાવાઝોડાની સંભાવના છે. IMD એ 23 એપ્રિલે દક્ષિણ હરિયાણા, ઉત્તરપૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ ધૂળના તોફાનની પણ આગાહી કરી છે. આગામી 2 દિવસ દરમિયાન મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે, જો કે, ત્યારબાદ કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. IMDએ તેના દૈનિક હવામાન બુલેટિનમાં જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ દરમિયાન ભારતના મોટાભાગના વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તશે નહીં