જો તમે બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન ખરીદ્યું નથી તો તમારી બ્લુ ટિક જતી રહેશે. ટ્વિટર આજથી જૂની વેરિફિકેશન સિસ્ટમમાંથી બ્લુ ટિક હટાવવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે. જૂની બ્લુ ટિકને લેગસી બ્લુ ટિક કહેવામાં આવે છે . અગાઉ કંપનીએ 1 એપ્રિલથી લેગસી બ્લુ ટિક દૂર કરવાની જાહેરાત કરી હતી. જો કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મે માત્ર પસંદગીના એકાઉન્ટ્સમાંથી વેરિફાઇડ ચેકમાર્ક દૂર કર્યો છે પરંતુ ટ્વિટરના માલિક એલોન મસ્ક તેના નિર્ણય પર અડગ જણાઈ રહ્યાં છે. કારણ કે કંપનીએ ટ્વિટ કરીને 20 એપ્રિલથી બ્લુ માર્ક હટાવવાની જાણકારી આપી છે.
એલોન મસ્કે ગયા વર્ષે જ ટ્વિટર ખરીદ્યું હતું. કંપની સેલિબ્રિટીઓ, પત્રકારો, રાજકારણીઓ વગેરેનું ફ્રી વેરિફિકેશન થતું હતું. જેમાં ચકાસણી પૂર્ણ થયા બાદ જ બ્લુ ટિક પ્રાપ્ત થતું હતું. આ બેજ સૂચવે છે કે વપરાશકર્તા Twitter દ્વારા વેરિફાઈડ છે અને તે નકલી એકાઉન્ટ નથી. ઘણીવાર એવું જોવા મળતું કે સેલિબ્રિટીઓના ફેક એકાઉન્ટ બનાવવામાં આવે છે તેવા કિસ્સામાં વાસ્તવિક એકાઉન્ટને વાદળી ચેકમાર્ક દ્વારા ઓળખવામાં આવતો હતો.
એલોન મસ્ક અલગ રીતે વિચારે છે અને મસ્ક લેગસી બ્લુ ટિકને સ્ટેટસ સિમ્બોલ તરીકે જુએ છે. એટલા માટે તેઓ ઇચ્છે છે કે તેમના પ્લેટફોર્મ પર કોઈપણ વપરાશકર્તા ફી ચૂકવીને વેરિફિકેશન કરાવી શકે છે. જો વેરિફિકેશન સાચુ હશે તો કંપની બ્લુ ટિક ઈશ્યુ કરશે. આ માટે યુઝર્સને ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન ખરીદવું પડશે. જો તમે પણ ઈચ્છો છો કે બ્લુ ટિક સેવ થાય તો તમારે પણ સબસ્ક્રિપ્શન લેવું પડશે.
કંપનીએ વેરિફિકેશન માટેના નિયમોમાં પણ નવી રીતે ફેરફાર કર્યો છે જેમાં ચકાસણી માટે જરૂરી છે કે તમારું એકાઉન્ટ છેલ્લા 30 દિવસથી સક્રિય હોવું જોઈએ તેમજ તે ઉપરાંત પણ કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. કંપની આવક વધારવા માટે ઘણી રીતો પર કામ કરી રહી છે તેમાંથી એક આ બ્લ્યું ટિક પણ છે. કંપની બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શનથી પણ સારી કમાણી કરી શકે છે. આ સિવાય બ્લુ સબસ્ક્રાઈબર્સને એક્સક્લુઝિવ ફીચર્સનો લાભ મળે છે. વેબ પર ટ્વિટર બ્લુ માટે માસિક ચાર્જ 650 રૂપિયા છે. જ્યારે વાર્ષિક પ્લાન 6,800 રૂપિયા છે. એન્ડ્રોઇડ અને iOS યુઝર્સે માસિક રૂ. 900 ચૂકવવા પડશે.