News Inside/27 May 2023
..
દિલ્હી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 8મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. ‘વિકસિત ભારત @ 2047: ટીમ ઈન્ડિયાની ભૂમિકા’ પર થીમ આધારિત આ બેઠક દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે નવા કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ હતી. નીતિ આયોગના અધ્યક્ષ તરીકે પ્રધાનમંત્રી મોદીએ બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે આરોગ્ય, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ અને માળખાકીય વિકાસને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણાંમંત્રી નિર્મલા સીતારમન અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ભાગ લીધો હતો. તે ઉપરાંત બેઠકમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે આઠ રાજ્યના મુખ્યમંત્રીઓ નીતિ આયોગની બેઠકમાં હાજર રહ્યા ન હતા. તેમાં પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી, બિહારના નીતિશ કુમાર, તેલંગાણાના કે ચંદ્રશેખર રાવ, તમિલનાડુના એમ.કે. સ્ટાલિન, રાજસ્થાનના અશોક ગેહલોત અને કેરળના પિનરાઈ વિજયનનો સમાવેશ થાય છે. તો બીજી તરફ દિલ્હીના અરવિંદ કેજરીવાલ અને પંજાબના ભગવંત માનનો સીધો બહિષ્કાર કર્યો છે.