કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ડ્રગ કેસ મામલે 14 દિવસના રિમાન્ડ મંજૂર
કચ્છ : જખૌના દરિયામાંથી 195 કરોડના નશીલા પદાર્થ સાથે છ પાકિસ્તાની સહિત અન્ય બે એમ આઠની ધરપકડ?બાદ આ માલ મંગાવામાં નામીચા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનું નામ ખુલતાં આજે સજ્જ બંદોબસ્ત વચ્ચે તેને નલિયામાં કોર્ટમાં રજૂ કરાતાં તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પૂછપરછમાં વધુ કડાકા-ભડાકાની સંભાવના જોવાઇ રહી છે. પટિયાલા હાઉસ કોર્ટમાંથી ગુજરાત એ.ટી.એસ.એ ટ્રાન્જિસ્ટડ વોરંટના આધારે આજે ભારે સુરક્ષા વચ્ચે નલિયા કોર્ટમાં બિશ્નોઇને રજૂ કરાતાં જ્યુડિશિયલ ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટ એ.
એમ. શુક્લાએ 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજે ગુજરાત એ.ટી.એસ. ઉપરાંત ચેતક કમાન્ડો અને પશ્ચિમ કચ્છ પોલીસના ધાડા ઉતરી પડયા હતા.
નલિયા કોર્ટ: કમ્પાઉન્ડ સુરક્ષા એજન્સીઓના કાફલાથી ઘેરી લેવાયું હતું. વકીલો સિવાય કોઇનેય કોર્ટ સંકુલમાં પ્રવેશ આપવાની પાબંદી ફરમાવાઇ હતી, તો મીડિયાકર્મીઓને પણ દૂર રખાતાં આ વર્ગ નારાજ થયો હતો. ગત 14/9/22ના જખૌના દરિયામાંથી 195 કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાનીની ધરપકડ?બાદ અન્ય બેની અટક પછી તેમની પૂછતાછમાં બિશ્નોઇનું નામ ખુલતાં તિહાર જેલમાં બંધ એવા બિશ્નોઇને ટ્રાન્જિસ્ટ વોરંટના આધારે આજે નલિયા લવાયો હતો. લાલ ટી-શર્ટ અને ભાલ પર તિલક લગાડેલા બિશ્નોઇને ઉત્તેજના વચ્ચે મેડિકલ પછી સાંજે બીજીવાર કોર્ટમાં રજૂ કરાતાં ગુજરાત એ.ટી.એસ.એ 14 દિવસના રિમાન્ડની માગણી કરતાં નલિયા કોર્ટે એ.ટી.એસ.ની આ માગણી ગ્રાહ્ય રાખી હતી.
તારીખ 9/5ના બપોરના 3.00 વાગ્યા સુધી રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. આ સનસનીખેજ કેસની વિગતો મુજબ ગુજરાત એટીએસ જખૌના દરિયામાંથી તા. 14/9/22ના પાકિસ્તાની બોટ ઝડપીને તેમાંથી 194 કરોડનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. બોટમાંથી એટીએસએ તા.
14/9/22ના છ?પાકિસ્તાનીને ઝડપી લીધા હતા. જેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબ્દુલ્લાએ બલુચિસ્તાનના દરિયાકિનારેથી બોટમાં ભરાવ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઇનવાળી બોટમાં આપવાનો હતો. આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઇએ આપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું.
આ પ્રકરણની તપાસમાં ડ્રગ્સની ડિલિવરી લેવા માટે આવનારા સરતાજ અને મહંમદશફીને ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત મેરાજ અને ચીફ?ઓબોન્ના પણ ઝડપાયા હતા. આ તમામની તપાસમાં લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે એટીએસ દ્વારા લોરેન્સની કસ્ટડી મેળવવામાં આવી છે. હવે આ પ્રકરણમાં 14 દિવસના રિમાન્ડ દરમ્યાન લોરેન્સ પાસેથી ઘણી મહત્ત્વની કડીઓની તપાસ કરવામાં આવશે.
એટીએસ (Gujarat ATS) દ્વારા આ ડ્રગ્સનો જથ્થો ખરેખર પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો અને ડ્રગ્સ સપ્લાયર સાથે જેલમાં બેઠેલો લોરેન્સ કેવી રીતે સંપર્કમાં આવ્યો, લોરેન્સ પંજાબની જેલમાં બંધ મીરાજ તથા ચીફ?ઓબોન્નાના સંપર્કમાં કેવી રીતે આવ્યો, ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયામાં કોણ લેવા જવાનું હતું, આ ડિલિવરી ખરેખર ક્યાં પહોંચાડવાની હતી, મોબાઇલ ફોન અને સિમકાર્ડ કોને આપ્યા હતા, તે ક્યાં છે, આ ગેંગ કોઇ?આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલી છે કે કેમ જે અંગેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત લોરેન્સ કે તેની ગેંગના સભ્યો દ્વારા ડ્રગ્સના કાળા કારોબારમાંથી કોઇ?મિલકતો ખરીદી હતી કે કેમ તેની તપાસ થશે. ડ્રગ્સની ડિલિવરી પ્રકરણમાં સાઉથ આફ્રિકાની મહિલા બોગાની થાન્ડીલે ઉર્ફે અનિતા હજુ ફરાર છે તેની વિગતો પણ મેળવવાનો પ્રયાસ કરાશે.’ – લોરેન્સ સામે 50થી વધુ ગુનાહિત કેસ ચાલે છે : ભુજ, તા. 25 : પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલા બિશ્નોઇ સામે 50થી વધુ ગુનાહિત કેસ ચાલી રહ્યા છે.
અનેક લોકોને ધમકી આપી ખંડણી વસૂલી સહિતના બિશ્નોઇ પર આરોપો છે. તેમાંય ફિલ્મ અભિનેતા સલમાન ખાન, ઉદ્ધવ ઠાકરે ગ્રુપની શિવસેનાના નેતા સંજય રાઉત, રાખી સાવંત સહિતને ધમકી આપી હતી. 30 વર્ષીય લોરેન્સ બિશ્નોઇ દેશના અગ્રણ્ય ગેંગસ્ટર માનવામાં આવે છે. તેમની ગેંગમાં અસંખ્ય એટલે કે 500થી વધુ શાર્પશૂટર છે જે દેશના અલગ-અલગ રાજ્યમાં ફેલાયેલા છે. તિહાર જેલમાં બંધ હોવા છતાં જેલમાંથી પોતાની ગેંગનું સંચાલન કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. જખૌમાંથી ઝડપાયેલ ડ્રગ્સ પછી તેનું પાકિસ્તાની કનેક્શન પણ સામે આવ્યું છે.’