News Inside/20 May 2023
Gujarat
બાબા બાગેશ્વરના નામે જાણીતા બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મે માસના અંતમાં ગુજરાત મુલાકાતે આવવાના છે. જેમાં પહેલા તેઓ અમદાવાદ, સુરત, અને રાજકોટમાં દિવ્ય દરબાર યોજવાના હતા. પરંતુ મળતી માહિતી અનુસાર હવે તેઓ 3 જૂનના રોજ વડોદરા ખાતે પણ દિવ્ય દરબાર યોજશે. જેમાં તેઓ સૌપ્રથમ 26 અને 27 મેના રોજ સુરતમાં, 29 અને 30 મેના રોજ અમદાવાદમાં અને 1 અને 2 જૂનના રોજ રાજકોટમાં દિવ્ય દરબાર યોજવાના છે. વડોદરાના નવશક્તિ ગરબા મહોત્સવ અને વડોદરા ભાજપ સંઘના આગ્રહને કારણે બાગેશ્વર ધામના મંત્રીઓ એ વડોદરામાં દરબાર યોજવાનો નિર્ણય લીધો છે. વડોદરા ખાતે દિવ્ય દરબાર યોજવા માટે 26 મે બાદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરના સચિવ અને કાર્યકર્તા દ્વારા સ્થળ નક્કી કરવામાં આવશે. વડોદરાના રાજમહેલ રોડ પાસે આવેલા નવલખી મેદાન અથવા લેપ્રસી મેદાન એમ બે માંથી કોઈ એક સ્થળે દિવ્ય દરબાર યોજાય તેવી સંભાવના છે.
આ ઉપરાંત બાબા બાગેશ્વર સુરતમાં દરબારની સાથે રોડ શો પણ કરી શકે છે. સુરત અને અમદાવાદમાં બાબાના આગમનની તડામાર તૈયારી શરુ થઇ ચુકી છે. અમદાવાદમાં બાબા બાગેશ્વરને રહેવા માટે 10 શયનખંડ વાળો ભવ્ય બંગલો તૈયાર થઇ ચુક્યો છે. જેના દરેક રૂમમાં નવા પલંગ, ગાદલા, AC, કબાટની સુવિધા ગોઠવવામાં આવી છે. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના સેક્ટર-6માં બાબા બાગેશ્વર દિવ્ય દરબાર યોજાશે. તથા તેમના રહેવા માટેનો બંગલો તે સ્થળથી બિલકુલ નજીકના સ્થળે તૈયાર કરાયો છે. આ બંગલોમાં બાબા તેમના સચિવ સાથે રહેશે. બાબાની સુરક્ષા માટે 200 સિક્યુરિટી ગાર્ડ ચોવીસ કલાક હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે, બાબા બાગેશ્વરના ગુજરાત આગમન પહેલા રાજકીય ગરમા-ગરમી સર્જાઈ છે. તથા ઘણા વિવાદો પણ સર્જાયા છે. બાબા ને સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ દ્વારા સવાલ કરનાર રાજકોટના કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના CEO પુરષોત્તમ પીપળિયાને ધમકી મળી હતી. તથા ગુજરાત કોંગ્રેસ પક્ષના સભ્યોમાં આ બાબતે વાતાવરણ ગરમાયુ હોવાના સમાચાર સામે આવ્યા છે. બાબાનું સમર્થન કરતા અને વિરોધ કરતા લોકોનો પક્ષમાં ફાંટો પડી રહ્યો છે. કોંગ્રેસ પક્ષના કહેવા પ્રમાણે બાગેશ્વર બાબાની ગુજરાત ઉલકત એ ભાજપ સરકારનો સ્ટંટ છે. તેથી કોંગ્રસ પાર્ટીના કેટલાક સભ્યો બાબાના ગુજરાત આગમનનો વિરોધ કરે છે.