News Inside/16 May 2023
..
PM નરેન્દ્ર મોદીએ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી ભરતી કરાયેલા લગભગ 71,000 લોકોને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી એપોઇન્ટમેન્ટ લેટરનું વિતરણ કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, અગાઉ સરકારી નોકરી માટે અરજી કરવી ઘણી મુશ્કેલ હતી, ફોર્મ મેળવવા માટે ઉમેદવારોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. પરંતુ આજે અરજી કરવાથી લઈને પરિણામ સુધીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થઇ ગઈ છે. હવે ગ્રુપ સી અને ડીની પોસ્ટ માટે કોઈ ઇન્ટરવ્યુની જરૂર નથી. આનાથી ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદની શક્યતાઓ ઘટી ગઈ છે.
આ ઉપરાંત PM મોદીએ કહ્યું હતું કે, ભારત સરકારની દરેક યોજના અને દરેક નીતિ યુવાનો માટે દેશમાં રોજગારની નવી તકો ઊભી કરી રહી છે. છેલ્લા 9 વર્ષમાં ભારત સરકારે મૂડી ખર્ચ પર લગભગ 34 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. 2014 પહેલા, દેશનું ગ્રામીણ રસ્તાઓનું નેટવર્ક 4 લાખ કિલોમીટરથી ઓછા વિસ્તારમાં ફેલાયેલું હતું. પરંતુ હવે તે 7.15 લાખ કિલોમીટરથી વધુ વિસ્તર્યું છે. 2014 પહેલા દેશમાં માત્ર 74 એરપોર્ટ હતા અને આજે આ સંખ્યા વધીને લગભગ 150 થઈ ગઈ છે.
PM મોદી થોડા દિવસો પહેલા વોલમાર્ટના સીઈઓને મળ્યા હતા. વોલમાર્ટના સીઇઓએ કહ્યું હતું કે, તેમની કંપની આગામી 3-4 વર્ષમાં રૂ. 80,000 કરોડની નિકાસ કરશે. આથી લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સેક્ટરમાં કામ કરવા માંગતા યુવાનો માટે આ એક મોટા સમાચાર છે. સિસ્કોના CEO એ પણ કહ્યું હતું કે, તેઓ રૂ. 8,000 કરોડના મેડ-ઇન-ઈન્ડિયા ઉત્પાદનોની નિકાસ કરવાનું લક્ષ્ય પણ ધરાવે છે. આવતા અઠવાડિયે તેઓ અન્ય મોટી કંપનીઓના સીઈઓને મળશે અને આ કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સાહિત છે.