મંજૂરી વિના ડ્રોન ઉડતા પોલીસમાં દોડધામ એક શખ્સની અટકાયત
- કમાટીબાગ ખાતે આયોજિત બાળમેળાના કાર્યક્રમ સમયે જોવા મળ્યું ડ્રોન
- મુખ્યમંત્રીના સ્ટેજ પાસે જ પોલીસ મંજૂરી વિના ડ્રોન ઉડતું દેખાયું
વડોદરામાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક થઈ હોવાનું સામે આવ્યું છે. કમાટીબાગમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના સ્ટેજ પાસે જ ડ્રોન ઉડતું જોવા મળતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે ડ્રોન કેમેરો જપ્ત કરીને 1 વ્યક્તિની અટકાયત કરી છે.
મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાતે છે. વડોદરામાં તેઓ અનેકવિધ કાર્યક્રમમાં સામેલ થશે. વડોદરામાં આજે સવારે મુખ્યમંત્રીએ 50માં બાળમેળાનો શુભારંભ કરાવ્યો હતો. કમાટીબાગ ખાતે આયોજિત બાળમેળાના કાર્યક્રમ સમયે પોલીસ મંજૂરી વિના ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું.
સ્ટેજ પાસે પહોંચ્યું ડ્રોન
આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલના સ્ટેજ પાસે અચાનક એક ડ્રોન પહોંચ્યું હતું. જે બાદ સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત પોલીસ જવાનો દોડતા થયા હતા. આ પ્રકારની ખામી જોઈને બે ઘડી માટે ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ડગાઈ ગયા હતા. જે બાદ પોલીસે ડ્રોન કેમેરો જપ્ત કરીને એક વ્યક્તિની અટકાયત કરી છે. આ ઘટના બાદ પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા હતાં.