- અમદાવાદમાં ૧૦૨૭૭ ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાની ફરિયાદ નોંધાઇ
- વધુ પ્રમાણમાં અવાજ હશે તો પોલીસ સંગીતના સાધનો કરશે જપ્ત
- 1998ના જાહેરનામા પર હવે 2023માં કરડાઈથી અમલ
- લગ્ન સહિતના પ્રસંગોએ માર્ગો પર હજારો વોટની સાઉન્ડ સીસ્ટમ સાથે અવાજના પ્રદૂષણ સામે તંત્રની લાલ આંખ
ગુજરાતમાં અવાજ પ્રદુષણ ડામવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ કાનુનનો અમલ કરવા હાઈકોર્ટે તાકીદ કર્યા બાદ હવે પોલીસ કરતા લોકો વધુ જાગ્રત થયા છે અને રાજયમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીના લગ્નગાળા સીઝનમાં માર્ગો પર જે રીતે મોટા અવાજો સાથે ડી.જે.ના સંગીતથી ઘોંઘાટ પેદા કરવામાં આવે છે તથા પાર્ટીપ્લોટ, લગ્ન વાડીઓ તથા અન્ય સ્થળો પર ઘોંઘાટીયા સંગીતથી અવાજનું પ્રદુષણ સર્જાય છે તેની સામે હવે પોલીસ ફરિયાદમાં જબરો વધારો થયો છે.
2019માં રાજય સરકારે અવાજના પ્રદુષણ નિયંત્રણ અંગે જાહેરમાં સાઉન્ડ સીસ્ટમ ઘટાડવા તથા ડીજે સહિતના ઘોંઘાટ સામે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન તથા હાઈકોર્ટના આદેશનો અમલ શરૂ કરાવ્યા બાદ 18 માસમાં અમદાવાદમાં જ 10277 ફરિયાદો નોંધાઈ હતી પણ તેમાં ફરિયાદ પર ભાગ્યે જ કશી કાર્યવાહી થઈ હતી. ફકત બે વાહનોને કામચલાવ રીતે જપ્ત કરાયા હતા પણ ગુજરાત હાઈકોર્ટ હાલમાં જ આ કાનૂન અને તેની સાથેના સંબંધીત જાહેરનામાનો કડક અમલ કરવા માટે આદેશ આપ્યા બાદ હાઈકોર્ટના આદેશના દિને જ અમદાવાદમાં પાંચ ફરિયાદ ખુદ પોલીસે નોંધી હતી.
આ ઉપરાંત જાહેરમાં લગ્નની જાન કે અન્ય પ્રસંગોએ મોટા અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડવા પર પણ લાલ આંખ કરવામાં આવી ધાર્મિક આયોજનો અને સ્થાનોને પણ તેની માઈક સીસ્ટમ ધીમી કરવાના આદેશ અપાયા હતા. હાલ લગ્નગાળો હોવાથી માર્ગો પર જાન-પ્રસ્થાન કે આગમન સમયે આ પ્રકારે ડી.જે.ની ધમાલ બહું સામાન્ય થઈ છે અને માર્ગો પણ રોકી દેવામાં આવે છે.
જાહેર સ્થળો પર આ રીતે સંગીત વગાડવા વિ.માં પુર્વ મંજુરી જરૂરી છે. અમદાવાદમાં તો મંદિર-મસ્જીદ સહિતના સ્થળોએ પણ સાઉન્ડ સીસ્ટમ માઈક વિ. તેની મર્યાદામાં જ વાગે તે જોવા તાકીદ કરી હતી. વડોદરામાં પણ આ પ્રકારે ડીજે વિરુદ્ધ 50 ફરિયાદો નોંધાઈ હતી નો લોકોએ જ ડી.જે. વિ. સ્થળે પોલીસ કંટ્રોલના ફોન ધણધણાવ્યા હતા અને 400 જેટલી ફરિયાદો મળતા પોલીસ સ્થળ પર ધસી જઈને આ પ્રકારના ઘોંઘાટ બંધ કરાવ્યા હતા તથા ફરિયાદ પણ નોંધી હતી.