News Inside/27 May 2023
..
રાજકોટ। તબીબી વ્યવસાય એ દરેક જાતિ,ધર્મ, પક્ષ, કે રાજકારણથી પરે છે. તેને કોઈપણ પક્ષ સાથે જોડવુ યોગ્ય નથી. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણ કરવામાં આવ્યું. સામાન્ય રીતે હોસ્પિટલના સ્ટ્રેચર સફેદ રંગના હોય છે. તમે ક્યારેય કોઈ અન્ય કલરના સ્ટ્રેચર જોયા નહિ હોય. પરંતું સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરને એકાએક સફેદને બદલે ભગવા રંગના કરી દેવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના 150 જેટલાં સ્ટ્રેચરને અચાનક ભગવો કેસરી રંગ લગાવવાનું કામ શરૂ થઇ ગયું છે. સ્ટ્રેચરનો કલર મોટે ભાગે સફેદ જ હોય છે, પરંતુ અહીં ભગવાકરણ કરાયેલુ જોવા મળ્યું હતું. આ અંગે મામલો ગરમાતા સિવિલના સુપરીટેન્ડેન્ટ ઇન્ચાર્જે બચાવ કરતા કહ્યું કે, આ પ્રાઇમર રંગ છે, તેના ઉપર સફેદ રંગ લગાવાશે. ત્યારે મીડિયા સુધી વાત પહોંચતા ભગવા રંગને પડતો મૂકીને ફરી સફેદ રંગ કરાયાની વાત વહેતી થઇ હતી.
તો બીજી તરફ, તબીબી અધિકારીએ પોતાનો બચાવ કરતા કહ્યું કે, આ અમારી ભૂલ છે. સામાન્ય રીતે સફેદ રંગનું જ સ્ટ્રેચર હોય છે. પરંતુ સ્ટ્રેચર ગુમ ન થાય તે માટે અમે ભગવો રંગ કર્યો હતો. મેડિકલ ઓફિસર એ.વી. રામાણીએ આ અંગે ખુલાસો કરતા કહ્યું કે, સ્ટ્રેચર દર્દીઓના સગા દ્વારા દર્દીને અન્ય વોર્ડમાં લઈ જવા ઉપયોગમાં લેવાતા પણ બાદમાં તે સ્ટ્રેચર પાછા આવતા નથી. સ્ટ્રેચરનો રંગ સરકારી નિયમ મુજબ સફેદ જ હોય છે, પરંતુ અમારા સિનિયર નર્સ દ્વારા રંગ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સફેદને બદલે ભગવો કરવામાં આવ્યો તેની પાછળ કારણ એટલું જ હતું કે, અમારા સ્ટ્રેચર ખોવાઈ ન જાય. દર્દીના સગાએ સ્ટ્રેચર લઈને જવું પડે છે તેની પાછળનું કારણ એ છે કે હોસ્પિટલમાં પૂરતા સ્ટાફનો અભાવ છે.
રાજકોટ સિવિલમાં સ્ટ્રેચર ભગવા રંગને લઈને હાલમાં રાજકારણ ગરમાયુ છે. આ વાતની જાણ થતા જ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે આ મુદ્દે સવાલો કર્યા કે, મધ્યમ વર્ગના લોકોને આપવામાં આવતી સાયકલ પણ ભગવા રંગની હતી. હવે સ્ટ્રેચર પણ હવા રંગનું છે અને થોડા દિવસોની અંદર દર્દીઓને લગાવવાના પાટા અને દવા પણ ભગવા રંગની હશે.
જો કે, સમગ્ર મુદ્દો વિવાદમાં સપડાયા બાદ હોસ્પિટલ પ્રશાસન દ્વારા સ્ટ્રેચરને ભગવો રંગ લગાવવાની કામગીરી રોકી દેવાઈ હતી. સિવિલમાં સ્ટ્રેચરના ભગવા રંગને લઈને વિવાદ મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યુ છે. આ મુદ્દે ભાજપે કહ્યું કે, કોઈ પણ પ્રકારના રંગ સામે કોઈને પણ વિરોધ ન હોવો જોઈએ. જેટલા પણ રંગ છે તે બધા કુદરતી રંગો છે. કુદરત દ્વારા જે રંગો બનાવવામાં આવ્યા છે તેના સામે વિરોધ એ હાસ્યસ્પદ છે. કોંગ્રેસે કલરને લઈને માનસિકતા બદલવાની જરૂર છે.