આરોપીઓ સામે દયા ન દાખવી શકાયઃ કોર્ટ

0 minutes, 1 second Read
Spread the love

Ahmedabad: શહેરના સરદારનગર વિસ્તારમાં હત્યાના ચકચારી પ્રકરણમાં એડિશનલ સેશન્સ જજ એમ.આર. શાહે પિતા, બે પુત્ર, જમાઇ સહિત પાંચને આજીવન કેદની સજા ફરમાવી છે. જ્યારે બે મહિલાને પુરાવાના અભાવે છોડી મૂકવાનો આદેશ કર્યો છે.

કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે, જે પુરવાર થાય છે ત્યારે આવા આરોપીઓ સામે દયા ન દાખવી શકાય.

કુબેરનગર વિસ્તારમાં રહેતા પરષોત્તમ બચુભાઇ ધવલે જયરણછોડ જનકલ્યાણ ફાઉન્ડેશનના નામે એક ટ્રસ્ટ બનાવ્યું હતું. આ ટ્રસ્ટ હેઠળ વર્ષ 2015માં પરષોત્તમે હોસ્પિટલ બનાવવા જમીન ફાળવવા સરકારમાં અરજી કરી હતી. જો કે, પરષોત્તમના સમાજના પ્રવીણ ઉર્ફે પ્રતાપે આ મામલે વાંધો ઊઠાવતા જમીન મળી ન હતી. જેથી બન્ને વચ્ચે તકરાર થઇ હતી. આ દરમિયાન અદાવતમાં પરષોત્તમ, તેના દીકરા પ્રવીણ ઉર્ફે ભોલો પરષોત્તમ ધવલ, પ્રતાપ ઉર્ફે પલક પરષોત્તમભાઇ ધવલ, જમાઇ સુનિલ બાબુભાઇ રાકાણી , પરષોત્તમના મિત્ર મહેન્દ્ર ઉર્ફે લાલ બાદશાહ પ્રતાપભાઇ સિસોદિયા, રશ્મી રાકાણી અને આશાબહેન પરષોત્તમભાઇ ધવલે હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. ત્યારબાદ 6-6-2016ના રોજ પ્રવીણ ઉર્ફે પ્રતાપને આરોપીઓએ છરીના ઘા માર્યા હતા. આ ઉપરાંત ગાડી ચઢાવી પ્રવીણના સાળાની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે સરદારનગર પોલીસે ફરિયાદ નોંધી તમામ આરોપીની ધરપકડ કરી હતી.

આ કેસમાં ચાર્જશીટ થતાં કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલ નવીન ચૌહાણે પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીઓએ પ્લાન કરી હત્યા કરી છે, આ ઉપરાંત મૃતકના સાળા પર ગાડી ચઢાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આખોય કેસ પુરવાર થાય છે ત્યારે સમાજમાં દાખલો બેસે તે હેતુને ધ્યાને રાખી આરોપીઓને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. બાદમાં કોર્ટે પરષોત્તમ, તેના બે દીકરા, જમાઇ અને મિત્રને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે રશ્મી અને આશાબહેનને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો આદેશ કર્યો છે.

પ્રવીણ ઉર્ફે ભોલો જેલ કૂદી ભાગ્યો હતો

આ કેસમાં પ્રવીણ ઉર્ફે ભોલો ધવલ જેલમાં હતો. આ દરમિયાન શ્રાવણ મહિનામાં જુગાર રમવા માટે પ્રવીણ ધવલ ઉર્ફે ભોલો જેલની ૧૯ ફૂટ ઊંચી દીવાલ કૂદીને ભાગ્યો હતો. માતાની સમજાવટથી હાજર થયેલા 20 વર્ષના આરોપી પ્રવીણે આપેલી કેફિયતથી પોલીસે આંચકો અનુભવ્યો. પ્રવીણને પાડોશીની હત્યાનો કેસ લડવા અને પરિવાર માટે પૈસાની જરૂરી હતી અને પોતે જુગાર રમવામાં ‘એક્સપર્ટ’ હોવાથી કમાણી કરી લેવા માટે ભાગ્યો હતો. પ્રેમિકા અંજલીએ આર્થિક મદદ કરતાં પ્રવીણ કલોલમાં મિત્રને ત્યાં પહોંચ્યો હતો. પણ, માતાનો સંપર્ક કરતાં તેની સમજાવટથી પોલીસમાં હાજર થયો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!