મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ સાયન્સ ડે અવસરે સાયન્સ કાર્નિવલ-ર૦ર૩નો સાયન્સ સિટીમાં કરાવ્યો પ્રારંભ

Spread the love

News Inside /Bansari Bhavsar : 28 Fabruary 2023
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આગવા વિકાસ વિઝનથી નિર્માણ થયેલી સાયન્સ સિટી આજે વર્લ્ડકલાસ સુવિધાયુકત સાયન્સ સિટી બની ગઇ છે નાના ગામડાના-છેવાડાના બાળકોને સાયન્સ સિટી જેવી જ્ઞાનસભર સુવિધા નજીકના સ્થળે પૂરી પાડવા જિલ્લા મથકોએ સાયન્સ સેન્ટર્સ ઊભા કરવા રાજ્ય સરકાર આગળ વધી રહી છે.નોલેજ બેઇઝ્ડ સોસાયટીથી અદ્યતન જ્ઞાન-ટેક્નોલોજીના વિકાસ માટે આ વર્ષના બજેટમાં સાયન્સ-ટેક્નોલોજી વિભાગ માટે ર૧૯૩ કરોડ રૂપિયાની જોગવાઇ કરી.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આપણી આવનારી પેઢીને આગામી સમય માટેની ટેક્નોલોજીથી સુસજ્જ કરવા ગુગલ જેવી ખ્યાતનામ કંપનીઓ સાથે મળીને પ્રયાસરત રહેવાની નેમ વ્યક્ત કરી છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે આવનારા ૩ અઠવાડિયામાં રાજ્ય સરકારનો સાયન્સ ટેક્નોલોજી વિભાગ અને ગુગલ સાથે મળીને ૧૦ હજાર જેટલા લોકોને સાયન્સ સિટીમાં તાલીમ આપશે. નેશનલ સાયન્સ-ડે અવસરે અમદાવાદના સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ-ર૦ર૩નો મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકાસના આગવા વિઝન અને વિશ્વકક્ષાની સુવિધાઓ ગુજરાતમાં નિર્માણ કરવાની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિ આ સાયન્સ સિટી દ્વારા આપણે જોઇ શકીએ છીએ. બાળકોને નાનપણથી જ વિજ્ઞાન ટેક્નોલોજીમાં અભિરૂચિ કેળવવા તેમણે શરૂ કરાવેલી સાયન્સ સિટી આજે વર્લ્ડકલાસ સાયન્સ સિટી બની ગઇ છે તેનો શ્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સાયન્સ-ટેક્નોલોજીમાં બાળકો, યુવાઓ રસ કેળવી શકે તે માટે વડાપ્રધાનશ્રીએ નવી શિક્ષણનીતિમાં આધુનિક અને સમયાનુકુલ શિક્ષણને વેગ આપ્યો છે. એટલું જ નહિ, આ આખોય દશક તેમણે ટેક્નોલોજીનો દશક ટેકેડ બનાવ્યો છે. ગુજરાતની વર્તમાન સરકાર પણ આ જ પરંપરાને અનુસરીને જિલ્લામથકોએ સાયન્સ સેન્ટર્સ સ્થાપવાની દિશામાં આગળ વધી રહી છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. તેમણે જણાવ્યું કે, ગામડાના અને છેવાડાના બાળકોને પણ નજીકના સ્થળે સાયન્સ સિટી જેવી વિજ્ઞાન નગરીની સુવિધા આપી આવનારા દિવસોમાં નોલેજ બેઇઝ્ડ સોસાયટી ઊભી કરવી છે.
રાજ્ય સરકારે વિજ્ઞાન-ટેક્નોલોજી માટે આ વર્ષના બજેટમાં ર૧૯૩ કરોડ રૂપિયાની જોગવાઇ કરેલી છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે હવેનો જમાનો સાયન્સ-ટેક્નોલોજી, સ્પેસ સાયન્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો છે. મુખ્યમંત્રીશ્રીએ સાયન્સ કાર્નિવલ-ર૦ર૩ આકાશ દર્શનથી લઇને વિવિધ વર્કશોપ્સના માધ્યમથી બાળ વિદ્યાર્થીઓમાં સ્પિરીટ ઓફ ઇન્કવાયરીને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા દર્શાવી હતી.આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી રાજ કુમારે જણાવ્યું કે, જેમના સંશોધનને ઉજવવા આપણે એકઠા થયા છીએ તેવા શ્રી સી.વી.રમને જ્યારે રમન થિયરીની શોધ કરી હતી તે વખતે ભારત ગુલામી હેઠળ હતું. વર્તમાન સમય જેવી સુવિધાઓના અભાવમાં પણ વિજ્ઞાન પ્રત્યેના શ્રી સી. વી. રમનના લગાવને કારણે તેઓ શ્રેષ્ઠ યોગદાન આપી શક્યા. તેમણે કહ્યું કે દેશ આઝાદ થયા બાદ દરેક ક્ષેત્રમાં પ્રગતિ સાધી રહ્યો છે. ગુજરાત પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અગ્રેસર બને તેવો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે. સાયન્સની સાથોસાથ સ્પોર્ટ્સમાં પણ વિદ્યાર્થીઓનો રસ કેળવાય તે માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં દરેક જિલ્લામાં સાયન્સ સેન્ટર તથા સ્પોર્ટ્સ સંકુલ નિર્માણનો આ સરકારનો ધ્યેય છે. એમ તેમણે ઉમેર્યું હતું.આ પ્રસંગે ઇસરોના ડાયરેકટર શ્રી નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે, સાયન્સ કાર્નિવલ 2023 ખરાં અર્થમાં વિજ્ઞાનનો મહા ઉત્સવ છે. રાજ્યની આવનારી પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવાય તેમજ જ્ઞાન સાથે ગમ્મતના અભિગમ થકી વિદ્યાર્થીઓ અને સાયન્સ પ્રેમીઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે દિશામાં ગુજરાત સાયન્સ સિટી આવા અનેકવિધ રસપ્રદ કાર્યક્રમો યોજી રહી છે, તે ખરેખર પ્રશંસનીય બાબત છે.ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સેક્રેટરી શ્રી વિજય નેહરાએ જણાવ્યું હતું કે, આજે સાયન્સ સિટી ખાતે ‘સાયન્સ કાર્નિવલ 2023’ની નવતર શરૂઆત કરવામાં આવી રહી છે. આપણું રાજ્ય કૃષિ, પશુપાલન અને મેન્યુફેકચરિંગ જેવા અનેક ક્ષેત્રોમાં આગલી હરોળમાં સ્થાન ધરાવે છે. જેના લીધે આજે રાજ્યમાં સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે બહોળી પ્રગતિ અને વિકાસ થઈ રહ્યો છે. વર્ષ 2022 માં 12 લાખ લોકોએ સાયન્સ સીટીની મુલાકાત લીધી છે. જ્યારે જાન્યુઆરી-2023ના એક જ મહિનામાં 2 લાખ લોકોએ સાયન્સ સીટીની મુલાકાત લીધી છે, તે રાજ્યમાં વિજ્ઞાન પ્રત્યે વધી રહેલી જાગૃતિ અને હકારત્મક અભિગમની સાબિતી આપે છે એમ તેમણે ઉમેર્યુ હતું.આગામી દિવસોમાં સાયન્સ સિટી દ્વારા યોજાનાર STEM ક્વિઝ માટે 5 લાખ થી વધુ રજિસ્ટ્રેશન થયા છે, જ્યારે સાઉથ એશિયાનું સૌથી મોટું રોબોફેસ્ટ પણ અહીંયા યોજાવાનું છે – જેમાં કરોડોના ઇનામો વિજેતાઓને એનાયત કરવામાં આવશે એમ પણ શ્રી નહેરાએ જણાવ્યું હતું. ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેકટર જે.બી.વદરે સ્વાગત ઉદબોધન કર્યુ હતું. સાયન્સ કાર્નિવલના પ્રારંભ પ્રસંગે અમદાવાદના મેયરશ્રી કિરીટભાઇ, ગુજકોસ્ટના એડવાઇઝર શ્રી નરોત્તમ સાહુ, વિવિધ શાળાઓના બાળકો-શિક્ષકો આમંત્રિતો અને વિજ્ઞાન-ટેક્નોલોજી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પાંચ દિવસ માટે આયોજિત સાયન્સ કાર્નિવલ ૨૦૨૩માં એક્ઝિબીટર, પાર્ટીસિપન્ટ અને વોલેન્ટીયર એમ ૩ કેટેગરીમાં ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. સાયન્સ કાર્નિવલ દરમિયાન અહીં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રના લોકો તથા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવનાર છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!