3 લાખની લોન સામે અઢી વર્ષમાં 33 લાખ ચૂકવ્યા છતાં અપાતો હતો ત્રાસ
વ્યાજખોરોની ધમકીથી કંટાળીને આખરે યુવકે દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. હાલ આ યુવક ખાનગી હોસ્પિટલના આઇ.સી.યુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે.
વ્યાજખોરીના વિષચક્રથી કંટાળેલા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ગીરસોમનાથના ઉનામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા યુવકે દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઉનાના અંજાર ગામના યુવકે વર્ષ 2020માં કારણોવશ યુવકે રૂપિયા 13 લાખની લોન લીધી હતી. જોકે વ્યાજખોરીના વિષચક્રમાં આ યુવક એવો તો ફસાયો કે તેણે અઢી વર્ષમાં 33 લાખ રૂપિયાની ચૂકવણી કરવી પડી. મૂળ રકમથી અઢી ગણી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોને સંતોષ થયો ન હતો. જે પછી સિક્યોરિટી પેટે લીધેલા કોરો ચેક બાઉન્સ કરાવીને પોલીસ ફરિયાદ નોંધાવી દીધી.
જો પોલીસ કેસ પરત ખેંચવો હોય તો વધુ રૂપિયા આપવાની ધમકી મળતા યુવક પડી ભાંગ્યો અને આખરે યુવકે મોતનો રસ્તો જ બાકી હોવાનું વિચારી લીધુ હતુ. વ્યાજખોરોની ધમકીથી કંટાળીને આખરે યુવકે દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. હાલ આ યુવક ખાનગી હોસ્પિટલના આઈ.સી.યુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. એક તરફ રાજ્ય સરકારનું વ્યાજખોરો સામે એક્શન ચાલી રહ્યુ છે તો બીજી તરફ બેફામ બનેલા વ્યાજખોરો સમાજને ચુસી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે આખરે વ્યાજખોરોની ચૂંગાલમાંથી ક્યારે છૂટકારો મળશે?
આ રીતે ચાલે છે વ્યાજનું વિષચક્ર
જરૂરિયાત મંદોને મોટા વ્યાજ સાથે નાણાંનું ધિરાણ આપવામાં આવે છે અને ગ્રાહકને જરૂર હોય તેટલે તે વ્યાજખોર પાસે વ્યાજે રકમ લે છે. વ્યાજખોરો ગ્રાહક પાસેથી 10-20 ટકા વ્યાજ વસુલી કરે છે જોકે શરાફી વ્યાજમાં 1 ટકાથી 2.5 ટકા સુધી વ્યાજ સર્વ સામાન્ય હોય છે. વ્યાજખોર પાસે લાયસન્સ હોવાથી તે ગ્રાહકના ખાતામાં RTGSથી પૈસા નાંખે છે.
RTGSથી પૈસા નાખતા તે કાયદાકીય રીતે તે સાચો પુરવાર થાય છે. વ્યાજના માત્ર 2 ટકા ગ્રાહક પાસેથી ખાતામાં વસુલ કરે છે અન્ય ઉપરના વ્યાજની ટકાવારી બ્લેકમાં રોકડના રૂપમાં વસુલે છે. રોકડ નાણાંનો કોઈ પુરાવો ન રહેતા બેફામ વ્યાજ વસુલે છે અને નાણાં આપ્યા બાદ અનેક ગણા રૂપિયા વસુલવાનું શરૂ કરે છે.
વ્યાજખોરો 10 હજાર આપી રોજના રૂપિયા 500 સુધી વસુલે છે વ્યાજ
નાણાં આપવામાં વિલંબ કરતા વ્યાજ લેવાર પર દબાણ કરે છે, વ્યાજ આપવામાં મોડું થાય તો ગ્રાહક પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ લે છે ગ્રાહક કંટાળીને પોલીસ પાસે જાય તો પણ લાયસન્સ હોવાથી વ્યાજખોર બચી જાય છે. તેમજ વ્યાજ ચુકવી ન શકનાર ગ્રાહકોને ધિરાણદારો ધમકીઓ આપે છે અને નાણાંના બદલામાં ધિરાણદાર મિલકત પર ગેરકાયદે કબજો કરે છે, વ્યાજ ન ચુકવી શકનારાઓના પરિવારની મહિલાઓ પાસે અભદ્ર માંગણી પણ થાય છે. વ્યાજે લીધેલા રૂપિયાથી પણ ઘણીવાર વધુ વ્યાજ વસુલી લેવામાં આવે છે.